ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી, તમામ સુવિધાઓ સાથે અનેક સમરસ હોસ્ટેલો કાર્યરત છે. આ હોસ્ટેલમાં રાજ્યના વિવિધ ખૂણેથી આવતા વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન, લાઇબ્રેરી, રમત-ગમત માટે મેદાન વગેરે સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે. ગાંધીનગર સ્થિત સમરસ બોયઝ હોસ્ટેલમાં તમામ જાતિના વિદ્યાર્થીઓ એક છત નીચે રહી ઉચ્ચ શિક્ષણ મેળવી અભ્યાસ કરી રહ્યા છે. સામાન્ય કુટુંબમાંથી આવતા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે કોઈ પણ જાતની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ સમાજમાં ભાઈચારો અને સમરસતા ફેલાય તે હેતુથી સમરસ બોયઝ હોસ્ટેલનું સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.


ગાંધીનગરની સમરસ બોયઝ હોસ્ટેલ: સુવિધાઓનું ધામ

એકતા અને ભાઈચારાનું પ્રતીક: સમરસ હોસ્ટેલોમાં વિવિધ સમાજના વિદ્યાર્થીઓ સાથે મળીને કારકિર્દીનું ઘડતર કરે છે. ગાંધીનગરની વિવિધ કોલેજોમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે રહેવાસ માટે સમરસ બોયઝ હોસ્ટેલ પ્રથમ પસંદગીનું સ્થાન બની ગયું છે, જેનું કારણ અહીં મળતી તમામ સુવિધાઓ છે. જેમાં તેમને રહેવા-જમવાની સુવિધાની સાથે સાથે લાઇબ્રેરી, રમત-ગમત જેવા સુંદર અન્ય સગવડો પણ આપવામાં આવે છે. સમરસ હોસ્ટેલમાં સુરક્ષા અને સ્વચ્છતાને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે. બહુમાળી છાત્રાલયમાં વિદ્યાર્થીઓ માટે મુસાફરી માટે લિફ્ટ, વાહનો માટે પૂરતું પાર્કિંગ અને રમવા માટે રમતનું મેદાન પણ છે. આ દરેક સગવડ મળતાં તેમના ઉજ્જવળ ભવિષ્યનું તેઓ નિર્માણ કરી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દૂરંદેશી: વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ યોજના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારની આ પહેલથી દૂર-દૂરના વિસ્તારોમાંથી અભ્યાસ માટે મહાનગરમાં આવતા વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થઈ રહ્યો છે. આમ, રાજ્ય સરકારની આ યોજના વિદ્યાર્થીઓના સારા ભવિષ્યને ઘડવામાં મહત્વની સાબિત થઈ રહી છે. આ યોજનાથી અલગ-અલગ સમાજ તેમજ જાતિના વિદ્યાર્થીઓ રમત-ગમત અને અભ્યાસ કરશે જે તેમનામાં એકતાની ભાવના પેદા કરશે. બધા એક થઈને અભ્યાસની સાથે સાથે કારકિર્દીનું ઘડતર કરશે. જેથી સરકારનું સમરસતાની ભાવના પેદા કરવાનું સ્વપ્ન પૂર્ણ થશે. બાળકોને આર્થિક સંકડામણના કારણે જે અભ્યાસ નથી કરી શકતા તેવા વિદ્યાર્થીઓ માટે તો વરદાનરૂપ છે.

  • Follow us on: