ગુજરાતની કફ સીરપમાં ઝેરી પદાર્થ ડાયથિલીન ગ્લાઇકોલ (DEG) મળવાના ગંભીર મામલા બાદ રાજ્ય સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ ઘટનાને પગલે સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લીધા છે અને ઝેરી સીરપનું ઉત્પાદન કરતી સુરેન્દ્રનગર અને બાવળા સ્થિત બે કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પ્રતિબંધ મૂકાયેલી આ કંપનીઓમાં શેપ ફાર્મા (Shape Pharma) અને રેડનેક્ષ ફાર્માસ્યુટીકલ (Rednex Pharmaceutical)નો સમાવેશ થાય છે. સરકારે આ બંને કંપનીઓમાંથી માત્ર કફ સીરપ જ નહીં, પરંતુ તેમની અન્ય બાળકોની દવાઓ સહિતનો તમામ જથ્થો પણ તાત્કાલિક ધોરણે જપ્ત કરી લીધો છે અને બજારમાંથી વેચાયેલો જથ્થો પરત મંગાવી લેવામાં આવ્યો છે.


આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

સમગ્ર કફ સીરપકાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, શેપ ફાર્મા કંપનીમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. મંત્રીએ ખુલાસો કર્યો કે રાજ્યમાં આવી ઓરલ દવાઓ બનાવતી 624 જેટલી પેઢીઓ છે, અને સરકાર તમામ દવાઓની ગુણવત્તા તપાસ કરાવશે. આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે કફ સીરપ સિવાયની બાળકો માટેની અન્ય ઓરલ મેડિસિનની પણ તપાસ કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પ્રત્યેક બેચનું સઘન મોનિટરિંગ કરવામાં આવે છે.

શેડ્યૂલ H અને M ની દવાઓનું રેન્ડમ ચેકિંગ

સરકાર માત્ર પ્રતિબંધ મૂકીને અટકી નથી. આરોગ્ય વિભાગ દ્વારા હવે રાજ્યમાં શેડ્યૂલ H (પ્રિસ્ક્રિપ્શન દવાઓ) અને M (ઉત્પાદન માર્ગદર્શિકા)ની દવાઓનું પણ રેન્ડમ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ પગલાંનો ઉદ્દેશ્ય એ છે કે દવાઓની ગુણવત્તા સાથે કોઈ ચેડાં ન થાય અને રાજ્યના નાગરિકોને માત્ર સુરક્ષિત દવાઓ જ મળે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દવાની ગુણવત્તાના મામલે કોઈ બેદરકારી ચલાવી લેવાશે નહીં. શેપ અને રેડનેક્ષ કંપનીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને સમગ્ર મામલામાં સંડોવાયેલા લોકો સામે પગલાં લેવાશે, જેનાથી દવા ઉદ્યોગમાં નિયમન અને પારદર્શિતા જળવાઈ રહે.


  • Follow us on: