સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓના બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડતા મધ્યાહન ભોજન યોજનાના લાખો કર્મચારીઓ ફરી એકવાર સરકાર સામે મેદાને ઉતર્યા છે. લાંબા સમયથી પડતર માંગણીઓ પ્રત્યે સરકાર ઉદાસીન વલણ દાખવી રહી હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોર જોશીએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે.


નિયમ મુજબ લઘુત્તમ વેતન ચૂકવવાની માગ

કર્મચારીઓની સૌથી મોટી અને મુખ્ય માંગણી એ છે કે, તેમને કાયદા મુજબનું લઘુત્તમ વેતન (Minimum Wage) આપવામાં આવે. હાલમાં તેમને જે માનદ વેતન મળે છે તે ખૂબ જ ઓછું છે, જેના કારણે આ મોંઘવારીના જમાનામાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. કર્મચારીઓનું કહેવું છે કે તેઓ દરરોજ 6 થી 7 કલાક સખત કામગીરી કરે છે, તેથી તેમના કામના કલાકો અને મહેનતના આધારે યોગ્ય વેતનની ચૂકવણી થવી જ જોઈએ.


પગાર કરતાં તો મધ્યાહન ભોજનનો વધારાનો ખર્ચ વધુ!

કર્મચારીઓએ પોતાની વ્યથા ઠાલવતા એક ચોંકાવનારી વિગત પણ સામે મૂકી છે. મધ્યાહન ભોજન કેન્દ્રો ચલાવવા માટે જે પરચૂરણ અને વધારાનો ખર્ચ કરવો પડે છે, તે ઘણી વખત કર્મચારીઓના પગાર કરતાં પણ વધી જાય છે. આ પરિસ્થિતિમાં કર્મચારીઓએ પોતાના ગજવાના પૈસા વાપરવા પડે છે અથવા દેવું કરવું પડે છે. આ આર્થિક શોષણ હવે અસહ્ય બન્યું હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે.


નોકરીનું રક્ષણ આપવા અને કાયમી કરવા ઉગ્ર માગ

વેતન ઉપરાંત કર્મચારીઓએ પોતાની નોકરીના રક્ષણ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોઈપણ સમયે નોકરીમાંથી છૂટા કરી દેવાના ડર વચ્ચે કામ કરતા આ કર્મચારીઓએ માગ કરી છે કે, સરકાર તેમને નોકરીનું કાયદાકીય રક્ષણ પૂરું પાડે, જેથી તેઓ સુરક્ષિત ભાવિ સાથે પોતાની ફરજ બજાવી શકે.


માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન અને કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી

ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોર જોશીએ જણાવ્યું છે કે, જો સરકાર આગામી દિવસોમાં વેતન વધારા અને નોકરીના રક્ષણ સહિતની બાબતો પર હકારાત્મક નિર્ણય નહીં લે, તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આ સાથે જ કર્મચારીઓએ આ ન્યાયની લડાઈ માટે હાઈકોર્ટ અથવા સંબંધિત કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ખુલ્લી ચીમકી ઉચ્ચારી દીધી છે. વહીવટી તંત્ર હવે આ મામલે શું વચલો રસ્તો કાઢે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો - Gandhinagar: ધેધુ ચાર રસ્તા પાસેથી બાઈક પર 5 કિલો ગાંજો લઈ જતા 2 પેડલર ઝડપાયા


  • Follow us on: