આજના આધુનિકીકરણને ધ્યાનમાં રાખીને રાજ્યને વધુ ડિઝીટલી યુગમાં લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો છે.એટલે કે રાજ્ય હવે દેશનુ AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનશે.
મળતી માહિતી પ્રમાણે રાજ્યની શાસન વ્યવસ્થામાં સ્માર્ટ ડિસીઝન, નાગરિકલક્ષી યોજનાઓ, સેવા વિતરણ પ્રણાલી અને કલ્યાણ યોજનાઓનો લાભ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ઝડપી અને અસરકારક બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ 2025-2030ને મંજૂરી આપી દીધી છે.
AI અને ડિપટેક મિશનની સ્થાપના કરવામાં આવશે.
આપેલા એક્શન પ્લાનના સુવ્યવસ્થિત અને સમયસર અમલીકરણ માટે, રાજ્ય દ્વારા એક સમર્પિત AI અને ડિપટેક મિશનની સ્થાપના કરવામાં આવશે. આ મિશન રાજ્ય સરકારમાં AI સ્ટ્રેટેજીસ અને ઊભરતી ટેકનોલૉજી માટેની ડિઝાઈન, અમલીકરણ અને ઇનોવેશનમાં નેતૃત્વકર્તાના રૂપમાં એક વિશિષ્ટ સંસ્થાકીય પદ્ધતિ તરીકે કાર્ય કરશે.
આ ઉપરાંત, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક શોધ-સંશોધન અને ઉદ્યોગોને સહયોગથી સુદ્રઢ ઈકોસિસ્ટમને બળ આપશે. AI અને તેને સંલગ્ન ટેકનોલૉજીસમાં વર્કફોર્સની સ્કીલીંગ, રિ-સ્કિલીંગ અને અપસ્કીલીંગ પર ફોકસ કરશે.
એક્શન પ્લાનનો રોડમેપ મુખ્યત્વે છ પિલ્લર પર
1. ડેટા - AI વિકાસ માટે એક સુરક્ષિત, ઇન્ટરઓપરેબલ અને નિયમનકારી-અનુરૂપ ડેટા ઇકોસિસ્ટમ સ્થાપિત કરને વ્યાપક AI ડેટા ગવર્નન્સ માળખું ઘડીને નિયમનકારી ધોરણો સાથે સમરૂપતા સુનિશ્ચિત કરાશે.
2. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર - ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાં AI ફેક્ટરીઓ સાથે GPU અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને AIRAWAT જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મની ઍક્સેસ અપાશે.
3. કેપેસિટી બિલ્ડીંગ - વિદ્યાર્થીઓ, MSME અને સરકારી અધિકારીઓ સહિત 2.5 લાખથી વધુ વ્યક્તિઓને AI, ML અને સંબંધિત ડોમેન્સમાં તાલીમ આપવાનું લક્ષ્ય છે.
4. R&D અને યુઝ-કેસિસ – સંબંધિત વિભાગોને અનુરૂપ વિશિષ્ટ AI સોલ્યુશન્સ અને એપ્લિકેશનો વિકસાવવા માટે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સહયોગને સક્ષમ બનાવવામાં આવશે.
5. સ્ટાર્ટઅપ ફેસેલિટેશન - ઇન્ક્યુબેશન, માર્ગદર્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્રેડિટ્સ અને સીડ ફંડિંગ દ્વારા ડીપટેક સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરાશે.
6. સલામત અને વિશ્વસનીય AI - ઓડિટ, ગાઈડલાઈન્સ અને AI રિસ્ક પ્રોટોકોલ દ્વારા સુરક્ષિત AI વ્યૂહરચના સુનિશ્ચિત કરવામાં આવશે.
મુખ્યમંત્રી દ્વારા અમલી કરાયેલા એક્શન પ્લાન માટે પહેલાં એઆઇ ફેક્ટરીઓ અને વિભાગવાર પાયલોટ પ્રોજેક્ટ્સ શરૂ કરાશે. આ સિવાય પ્લાનના 5 વર્ષ ગાળા દરમિયાન એઆઇ ઇન્ટીગ્રેશનને વધુ સુદ્રઢ બનાવવા ઇનોવેટિવ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન અપાશે.