ગુજરાતમાં હવા અને પાણીનું પ્રદૂષણ ભયજનક સ્તરે વધી રહ્યું છે. ત્યારે તહેવારોના સમયમાં ધ્વનિ પ્રદૂષણ પણ વધી રહ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રીપોર્ટમાં ચોંકાવાનારી બાબતો સામે આવી છે. આ રીપોર્ટમાં રાજ્યમાં દિવાળી અને નવરાત્રી દરમિયાન ધ્વનિ પ્રદૂષણ વધ્યું હોવાની વિગતો બહાર આવી છે. રાજ્યમાં નાના અને મોટા શહેરોમાં નવરાત્રી અને દિવાળી દરમિયાન સામાન્ય કરતાં બમણો અવાજ થાય છે.
તહેવારોના સમયમાં સામાન્ય કરતાં બમણો અવાજ થાય છે
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના 2024-25ના રીપોર્ટ પ્રમાણે રાજ્યમાં નવરાત્રિ દરમિયાન અવાજનું પ્રદૂષણ 85 ડેસિબલ હોય છે. પૂર્વ અમદાવાદમાં રાત્રે ધ્વનિ પ્રદૂષણ 103 ડેસિબલ હોય છે. આણંદમાં અવાજનું પ્રદૂષણ 93 ડિસેબલ હોય છે. જ્યારે મોરબી અને નવસારીમાં 80 ડિસેબલ હોય છે. રાત્રિ દરમિયાન અવાજનો મહત્તમ 45 ડેસિબલનો નિયમ છે. પરંતુ તહેવારોના સમયમાં સામાન્ય કરતાં બમણો અવાજ થાય છે.













