રાજ્યમાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં રોડ, રસ્તા, પુલ વગેરેને ભારે નુકસાન થયું છે.આ પરિસ્થિતિમાં રાજ્યના નાગરિકોને તકલીફ ન પડે તે માટે આ રોડ, રસ્તા અને પુલની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સંબંધિત વિભાગ અને અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.જેના ભાગરૂપે રાજ્યની કુલ 14 મહાનગરપાલિકાઓ અંતર્ગત આવતા રોડ-રસ્તાના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.


ડામરના પેચ વર્કના કામો પૂર્ણ કરવામાં આવ્યા

જેમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢ એમ ગુજરાતની જૂની આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા અંદાજે 300 કિ.મી.ના લંબાઈ ધરાવતા બિસ્માર રોડમાંથી યુદ્ધના ધોરણે 291 કિ.મી.થી વધુના રોડ-રસ્તાઓની મરામત કરવામાં આવી છે. જ્યારે બાકીના કામો પણ એક સપ્તાહમાં સત્વરે પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત કુલ 41.27 કિ.મીના રસ્તાઓ પર ડામરના પેચ વર્કના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.રાજ્યની આ આઠ મહાનગરપાલિકાઓના વિવિધ માર્ગો પર 14566 જેટલા પોટહોલ્સ-ખાડા હતા જેમાંથી તાત્કાલિક ધોરણે 14647 ખાડા પૂરી દેવામાં આવ્યા છે.જ્યારે બાકીના ખાડા પણ સત્વરે પૂરી દેવાની કામગીરી આગામી બે દિવસમાં પૂર્ણ કરાશે.

17778 ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે 11460 ફરિયાદોનો હકારાત્મક નિકાલ

આ મહાનગરપાલિકાઓમાં નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ 17778 ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે 11460 ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.જ્યારે બાકીની ફરિયાદોનો પણ સત્વરે ઉકેલ કરવામાં આવશે. વધુમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વ્યાપી, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ અને પોરબંદર એમ ગુજરાતની નવી નવ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા અંદાજે 351 કિ.મી.ના લંબાઈ ધરાવતા બિસ્માર રોડમાંથી યુદ્ધના ધોરણે 318 કિ.મી.થી વધુના રોડ-રસ્તાઓની મરામત કરવામાં આવી છે. જ્યારે બાકીના કામો પણ આગામી સમયમાં સત્વરે પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત કુલ 06 કિ.મી.ના રસ્તાઓ પર ડામર પેચ વર્કના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

તાત્કાલિક ધોરણે 1582 ખાડા સંપૂર્ણ રીતે પૂરી દેવામાં આવ્યા

રાજ્યની આ નવ મહાનગરપાલિકાઓના વિવિધ માર્ગો પર 1630 જેટલા પોટહોલ્સ-ખાડા હતા જેમાંથી તાત્કાલિક ધોરણે 1582 ખાડા સંપૂર્ણ રીતે પૂરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા પણ સત્વરે પૂરી દેવાની કામગીરી આગામી બે દિવસમાં પૂર્ણ કરાશે.આ મહાનગરપાલિકાઓમાં નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ 646 ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે 563 ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની ફરિયાદોનો પણ સત્વરે ઉકેલ કરવામાં આવશે.

393 ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે 286 ફરિયાદોનો હકારાત્મક નિકાલ

આ ઉપરાંત રાજ્યની ભાવનગર, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદ એમ કુલ છ રીજ્યોનલ કમિશનર્સ ઓફ મ્યુનિસિપાલિટીઝ વિસ્તારમાં આવતા રસ્તાઓ પર કુલ 2267 પોટહોલ્સ-ખાડા હતા તેમાંથી 1814 જેટલા પૂરી દેવામાં આવ્યા છે.જ્યારે બાકીના ખાડા પૂરવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવશે. વધુમાં આ છ રીજ્યોનલ કમિશનર્સ ઓફ મ્યુનિસિપાલિટીઝ વિસ્તારમાં રહેતા નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ 393 ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે 286 ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવી છે.જ્યારે બાકીની ફરિયાદોનો પણ સત્વરે ઉકેલ કરવામાં આવશે તેમ, શહેરી વિકાસ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.


  • Follow us on: