મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી.આ બેઠક્માં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતિ આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2025-26 અંતર્ગત ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમનું આયોજન આગામી તા.26 થી 28 જૂન 2025 દરમિયાન કરવામાં આવ્યું છે.રાજ્યની તમામ સરકારી પ્રાથમિક,સરકારી અને અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ,જ્ઞાનશક્તિ રેસીડેન્શીયલ સ્કૂલ્સ અને રક્ષા શક્તિ સ્કૂલ્સમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 26 જૂનના રોજ મહીસાગર જિલ્લામાં, 27 જૂનના રોજ ગાંધીનગર અને 28 જૂનના રોજ કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે.


26, 27 અને 28 જૂન શાળા પ્રવેશોત્સવનું આયોજન

વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના સફળ અમલીકરણના પરિણામે શાળામાં નામાંકિત થયેલા વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ દર જે વર્ષ 2001-02માં ધોરણ-1થી 5માં 20.50 ટકા અને ધોરણ-1 થી 8 માં 37.22 ટકા હતો તે શૈક્ષણિક વર્ષ 2023-24માં ક્રમશઃ ધોરણ-1થી 5માં 1.07 ટકા અને ધોરણ-1 થી 8માં 2.42 ટકા જેટલો નીચો લાવી શકાયો છે.રાજયમાં પ્રવેશોત્સવ કાર્યક્રમના પરિણામે છેલ્લા બે દાયકામાં પ્રાથમિક શિક્ષણમાં નામાંકન દર વધારવા તથા ડ્રોપઆઉટ દર ઘટાડવા ક્ષેત્રે ખુબ સારી સફળતા મળી છે.તેવી જ રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપઆઉટ દર ઘટાડવા માટે આ વખતના પ્રવેશોત્સવમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

તેમણે ઉમેર્યુ કે,શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન બળકોને આંગણવાડી, બાલવાટિકા તથા ગત વર્ષે બાલવાટિકામાં પ્રવેશ ન મેળવેલ બાળકોને ધોરણ-1માં તેમજ ધોરણ-9માં અને ધોરણ-11માં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવામાં આવશે.ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના દરેક દિવસે શાળાઓમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોને એક પ્રાથમિક અને બે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ફાળવણી કરવામાં આવી છે.જો માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પુરતી સંખ્યામાં ના હોય તો તે જ તાલુકાની જ્ઞાનશક્તિ રેસીડેન્શીયલ સ્કૂલ્સ અને રક્ષા શક્તિ સ્કૂલ્સની પસંદગી ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા આ નિર્ણય થયો છે

તેમણે જણાવ્યું કે,પ્રાથમિક શિક્ષણક્ષેત્રે વર્ષ 2019-20થી ધોરણ-1માં અને વર્ષ 2023-24થી બાલવાટિકામાં પ્રવેશપાત્ર પ્રત્યેક બાળકની ઓળખ, ટ્રેકિંગ અને નામાંકન સુનિશ્ચિત કરવા રાજ્યના આરોગ્ય વિભાગના જન્મ તથા રસીકરણના ડેટાને શિક્ષણ વિભાગની ચાઈલ્ડ ટ્રેકિંગ સીસ્ટમ-CTS સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યો છે.જેના પરિણામે એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય અને સ્થળાંતરિત થતાં માતાપિતાના બાળકોના પણ સઘન ટ્રેકિંગ દ્વારા લગભગ 100 ટકા નામાંકન શક્ય બન્યું છે.આ પ્રણાલીનો ઉપયોગ કરીને બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા સુનિશ્ચિત કરી રાજ્યના અંદાજે 8.75 લાખ બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે જેમને શાળા પ્રવેશ કરાવવામાં આવશે.તેવી જ રીતે ધોરણ-9માં 10.50 લાખ અને ધોરણ-11માં 4.50 લાખ જેટલા બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવશે.


  • Follow us on: