ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કોલવડા ગામના રહીશો લાંબા સમયથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનોમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગુરૂવારે મોટી સંખ્યામાં કોલવડાના ગ્રામજનો ગાંધીનગર કોર્પોરેશન કચેરી ખાતે ધસી ગયા હતા. ગામ લોકોએ મેયર ઓફિસ સામે જોરદાર સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો.
પાયાની સમસ્યાઓથી જનતા ત્રસ્ત
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગામમાં રસ્તા બિસ્માર હાલતમાં છે, ગટર લાઈનો ઉભરાઈ રહી છે અને પીવાના શુદ્ધ પાણીની પણ વિકટ સમસ્યા છે. ચોમાસાની શરૂઆત પહેલા જ આવી સ્થિતિ હોવાથી ગ્રામજનોનું જીવવું દુષ્કર બન્યું છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ સમસ્યા જસની તસ રહી છે.
'મત લેવા આવતા નેતાઓ યાદ રાખે'
ગાંધીનગર મનપા કચેરીએ પહોંચેલા રોષે ભરાયેલા નાગરિકો અને મહિલાઓએ લોકશાહીના ઢબે વિરોધ નોંધાવતા રાજકીય નેતાઓને આકરી ચેતવણી આપી છે. ગ્રામજનોએ સાફ શબ્દોમાં જણાવ્યું છે કે, ચૂંટણી ટાણે મોટા-મોટા વાયદા કરીને મત લઈ જનારા નેતાઓ હવે મોઢું બતાવતા નથી. જો અમારી સમસ્યાઓ હલ નહીં થાય, તો આગામી ચૂંટણીમાં કોઈ પણ પક્ષને ગામમાંથી મત નહીં મળે. અમે કડક રીતે મતદાનનો બહિષ્કાર કરીશું.

ગાંધીનગર મનપા કમિશનરની મધ્યસ્થી અને બાંહેધરી
ગાંધીનગર મેયર ઓફિસ બહાર મામલો વધુ ગરમાતા આખરે મનપા કમિશનરે મધ્યસ્થી કરવી પડી હતી. કમિશનરે આક્રોશિત ગ્રામજનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને તેમની તમામ ફરિયાદો સાંભળી હતી. મામલો થાળે પાડવા માટે કમિશનરે સત્તાવાર બાંહેધરી આપી છે કે, 1 સપ્તાહની અંદર કોલવડા ગામના રસ્તા, ગટર અને પાણીની તમામ પ્રાથમિક સમસ્યાઓનો કાયમી નિકાલ લાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવશે. કમિશનરની આ ખાતરી બાદ ગ્રામજનો શાંત પડ્યા હતા, પરંતુ જો સમયસર કામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
આ પણ વાંચો - Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ વંદેભારત ટ્રેનમાં બેસી વલસાડ રવાના થયા