ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપોની તપાસ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયાના નિવેદન અનુસાર, ગુજરાત હાઈકોર્ટમાં થયેલી 3 PIL (જનહિતની અરજી)ના સંદર્ભમાં આ પગલું લેવામાં આવ્યું છે. દહિયાએ સ્પષ્ટ કર્યું કે, અગાઉ પંચાયત અધિનિયમમાં તપાસ સંબંધિત અલગ અલગ જોગવાઇઓ હતી, જેને હવે એક જ સૂત્રમાં સંકલિત કરીને તમામ બાબતો માટે એક SOP (Standard Operating Procedure) તૈયાર કરવામાં આવી છે. આ નવા નિયમો બનાવીને તેને સંબંધિત વિભાગોને મોકલી દેવામાં આવ્યા છે. આ ફેરફારોનો મુખ્ય હેતુ પંચાયતી સ્તરે પારદર્શિતા લાવવાનો અને આર્થિક ગેરરીતિઓને અટકાવવાનો છે.
મનરેગા કૌભાંડ અને હાઈકોર્ટનો આદેશ
પંચાયત પરિષદના માનદ મંત્રીના નિવેદન મુજબ, આ નવા નિયમો બનાવવાનું મુખ્ય કારણ મનરેગા કૌભાંડ જેવા મોટા કિસ્સાઓ છે જે અવારનવાર સામે આવતા હતા. મનરેગા કૌભાંડને લઈને ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી હતી, જેના આધારે હાઇકોર્ટે રાજ્ય સરકારને કડક આદેશ કર્યો હતો કે પંચાયતી સ્તરે તપાસ અને કાર્યવાહી માટે સ્પષ્ટ અને એકસમાન નિયમો બનાવે. 1993થી અસ્તિત્વમાં આવેલા આ કાયદામાં તપાસની પ્રક્રિયામાં કેટલીક શરત ચૂકો હતી, જેનો લાભ લઈને કેટલાક પદાધિકારીઓ અને કર્મચારીઓ ગેરલાભ ઉઠાવતા હતા. હવે આ SOP દ્વારા તે 'શરત ચૂકો'ને દૂર કરીને કાયદાકીય માળખું વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.













