ગાંધીનગર નજીક આવેલા સુપ્રસિદ્ધ રૂપાલ ગામમાં આસો સુદ નોમ એટલે કે 30 સપ્ટેમ્બરે રાત્રે ભવ્ય પલ્લી નીકળશે. વરદાયિની માતાના આ પૌરાણિક ઉત્સવ માટે મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલે તૈયારીઓ અંગે નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે જણાવ્યું હતું કે નોમના દિવસે રાત્રે 12 વાગ્યા બાદ માતાજીની પલ્લી યાત્રા શરૂ થશે. જે વહેલી સવારે સુરક્ષિત રીતે મંદિર પરત ફરશે.
વરદાયિની મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલનું નિવેદન
આશરે પાંચ હજાર વર્ષ જૂની પરંપરા મુજબ આ પલ્લી યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ પોતાની માનતા પ્રમાણે હજારો ટન ચોખ્ખા ઘીનો અભિષેક કરશે. આ ઉત્સવમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે. જેના કારણે ગામના માર્ગો પર ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. ટ્રસ્ટી મંડળ દ્વારા દર્શનાર્થીઓ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરી કરવામાં આવી છે.













