રાજ્યમાં એકસાથે ત્રણેય ખૂંખાર પ્રાણીઓનો વસવાટ છે તેવા સમાચાર મળી રહ્યા છે. દીપડા અને સિંહ બાદ હવે વાઘ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે. દાહોદના રતનમહાલના જંગલોમાં વાઘ સ્થાયી થયો હોવાના સમાચાર મળતા વન વિભાગે મોનિટરીંગ શરુ કર્યું છે.
રતનમહાલના જંગલોમાં 9 મહિનાથી વાઘ સ્થાયી થયો
મળેલી માહિતી પ્રમાણે રતનમહાલના જંગલોમાં 9 મહિનાથી વાઘ સ્થાયી થયો છે. મધ્ય પ્રદેશથી રતન મહાલના જંગલમાં વાઘ પ્રવેશ્યો હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા 9 મહિનાથી વાઘ રતનમહાલના જંગલોમાં ફરી રહ્યો હતો પણ હવે તે આ જ જંગલોમાં સ્થાયી થયો છે.
વન વિભાગ વાઘનું સતત મોનિટરિંગ કરી રહ્યું છે
વન વિભાગ વાઘનું સતત મોનિટરિંગ કરી રહ્યું છે. વાઘના ખોરાક માટે અભયારણ્યમાં 35 હરણ છોડ્યા છે. આ વાઘે એક બકરીનું મારણ પણ કર્યું હોવાનું જાણવા મળે છે. નેશનલ ટાઇગર કન્વર્ઝેશન ઓથોરિટીના નિષણાતોએ આ વાઘને જોઇ લીધો છે જેથી નર વાઘ માટે માદા વાઘ NTCA પાસેથી મેળવાશે તેવી માહિતી મળી રહી છે.
મધ્યપ્રદેશના જાંબુઆ નજીક વાઘની ખાસ્સી વસતી
અહેવાલો મુજબ મધ્યપ્રદેશના જાંબુઆ નજીક વાઘની ખાસ્સી વસતી છે અને ત્યાંથી એક વાઘ ફરતો ફરતો રતન મહાલના જંગલોમાં આવી ચડ્યો છે અને 9 મહિનાથી હવે આ જંગલોમાં જ રોકાઇ ગયો છે. રતન મહાલના જંગલમાં જંગલી ભૂંડ, તથા નીલ ગાયની વધારે વસતી છે તેથી તેને ખોરાક માટે તકલીફ પડે તેમ નથી.
1989માં રાજ્યના ડાંગ જિલ્લામાં વાઘની સૌથી વધુ વસતી હતી
ઉલ્લેખનિય છે કે ફેબ્રુઆરી 2019માં લુણાવાડા વિસ્તારમાં વાઘ ફરતો હોવાનું જોવા મળ્યું હતું પણ ત્યાર બાદ આ વાઘ મૃત હાલતમાં મળ્યો હતો. 1989માં રાજ્યના ડાંગ જિલ્લામાં વાઘની સૌથી વધુ વસતી હતી અને હવે ફરીથી એક વાઘે દેખા દેતાં વન્ય પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
મે મહિનામાં થયેલી વસતી ગણતરી મુજબ રાજ્યમાં 891 સિંહ વસવાટ કરી રહ્યા છે
આ વર્ષે મે મહિનામાં થયેલી વસતી ગણતરી મુજબ રાજ્યમાં 891 સિંહ વસવાટ કરી રહ્યા છે અને આફ્રિકામાંથી ચિતા લાવવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે જેથી ગુજરાતમાં હવે ખૂંખાર પ્રાણીઓનો વસવાટ છે તેમ કહી શકાય છે.