રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી સેલ્ફી અને ફોટોગ્રાફીના ક્રેઝમાં એક આશાસ્પદ યુવાનનો જીવ ગયો હોવાની અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. ગાંધીનગર નજીક આવેલી મેદરા કેનાલ ખાતે ત્રણ મિત્રો ફરવા માટે આવ્યા હતા. કેનાલ કિનારે ઉભા રહીને આ ત્રણેય મિત્રો એકબીજાના ફોટા પાડી રહ્યા હતા અને અલગ-અલગ પોઝ આપીને ફોટોગ્રાફીની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક મિત્રનો પગ લપસી ગયો હતો, જેને બચાવવા જતાં ત્રણેય મિત્રો એકપછી એક એમ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.


બે યુવકોનું ફાયર બ્રિગેડ દ્વારા દિલધડક રેસ્ક્યુ

કેનાલના ધસમસતા પ્રવાહમાં ત્રણ યુવકો ડૂબતા હોવાની ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ આ અંગે વહીવટી તંત્ર અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને ફાયર ફાઇટરો અને તરવૈયાઓનો કાફલો આધુનિક રેસ્ક્યુ સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરની ટીમે કેનાલના ઊંડા પાણીમાં ભારે જહેમત ઉઠાવીને તાત્કાલિક શોધખોળ આદરી હતી અને ડૂબી રહેલા ૩ પૈકી બે યુવકોને સમયસૂચકતા વાપરી જીવતા બહાર કાઢી લીધા હતા. 

એક યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત

ફાયર ટીમ દ્વારા બે યુવકોને તો સહીસલામત બચાવી લેવાયા હતા, પરંતુ કમનસીબે ત્રીજો યુવાન પાણીના તેજ પ્રવાહમાં વહી ગયો હતો અને ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. લાંબી શોધખોળ બાદ ફાયર બ્રિગેડની ટીમને આ ત્રીજા યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. અકસ્માતે ડૂબી જવાથી યુવાનનું મોત નીપજતાં તેના પરિવારમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતક યુવકના શવને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: