Gir Somnathમાં ગુજસીટોક હેઠળ દારૂના ધંધા સાથે સંકળાયેલી ગેંગના 11 સભ્યો સામે કાર્યવાહી


ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગીર સોમનાથ LCB દ્વારા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ આ ગુનામાં સંકળાયેલા કુલ 11 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આ ગેંગ હતી સક્રિય

આ કેસના મુખ્ય ગેંગલીડર રસિક ભણાભાઈ બાંભણીયા (ઉના) સહિત કુલ 7 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત આ ગેંગના વધુ 3 સભ્યો હાલ જેલમાં છે. જ્યારે અન્ય એક આરોપી પોલીસ પકડથી ફરાર છે. પોલીસ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પ્રયાસો કરી રહી છે. આ ગેંગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ સક્રિય હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગેંગ હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી ગેરકાયદે દારૂ લાવીને તેનું ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વેચાણ કરતી હતી.

“Organized Crime Syndicate”ના નેટવર્કને તોડી પાડવામાં મળી મોટી સફળતા

આ કાર્યવાહી દ્વારા પોલીસને વર્ષોથી સક્રિય એવા એક મોટા “Organized Crime Syndicate”ના નેટવર્કને તોડી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ 2015 હેઠળ કલમ 3(1), 3(2) અને 3(4) મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ કાર્યવાહીથી ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે દારૂના વેપાર પર કડક લગામ કસવામાં મદદ મળશે.


  • Follow us on: