ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ ફૂડ વિભાગને સાથે રાખીને ડુપ્લિકેટ ઘી વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. કોડીનારના રબારીવાડા વિસ્તારમાં એક ઘીના વેપારીને ત્યાં ડુપ્લિકેટ ઘીનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી SOG પોલીસને મળી હતી.


SOGએ દરોડા પાડી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો

આ બાતમીના આધારે SOGએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ફૂડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને વેપારીના સ્થળે દરોડો (રેડ) પાડ્યો હતો. પોલીસ અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે જ્યારે સ્થળ પર તપાસ કરી ત્યારે ત્યાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને પાકી શંકા છે કે આ ઘી ડુપ્લિકેટ અથવા ભેળસેળયુક્ત હતું જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો

ફૂડ વિભાગે આ જપ્ત કરાયેલા ઘીના જથ્થાના નમૂનાઓ લીધા છે અને તેને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ ઘીની ગુણવત્તા અને તેમાં થયેલી ભેળસેળ અંગેની ચોક્કસ માહિતી બહાર આવશે. હાલમાં પોલીસે ડુપ્લિકેટ ઘીના વેચાણ અંગે ઘીના વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.


  • Follow us on: