પંચમહાલ સંસદીય ક્ષેત્રની નગરપાલિકાની RCM એટલે કે રેસિડેન્ટ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીની મીટિંગ દરમિયાન ગોધરામાં ભારે હોબાળો થયો હતો. આ બેઠકમાં ગોધરા પશ્ચિમ વિસ્તારના રહીશો પોતાની સમસ્યાઓની રજૂઆત કરવા માટે આવ્યા હતા. પરંતુ તેમને ગોધરા નગરપાલિકાના પ્રમુખ દ્વારા રોકવામાં આવતા તેઓ ઉશ્કેરાયા હતા અને મામલો ગરમાયો હતો.


રહીશોએ ગોધરા નગરપાલિકા પ્રમુખનો લીધો ઉધડો

ગોધરાના સર્કિટ હાઉસ ખાતે આયોજિત આ મીટિંગમાં સાત જેટલી નગરપાલિકાઓના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખો, ધારાસભ્યો અને સાંસદ હાજર હતા. આ બેઠકનો હેતુ નગરપાલિકાના પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો હતો. જોકે જ્યારે ગોધરા પશ્ચિમ વિસ્તારના રહીશો સ્થાનિક પાલિકા તંત્ર તેમની સમસ્યાઓ સાંભળતું ન હોવાની ફરિયાદ કરવા માટે RCMને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે પાલિકા પ્રમુખે તેમને રોક્યા હતા. પ્રમુખના આ વર્તનથી રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો. તેઓએ પ્રમુખનો ઉધડો લીધો હતો અને તેમની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પાલિકાની સમસ્યાઓને લઇ રજૂઆત કરતા રહીશોને રોક્યા

રહીશોનો આરોપ છે કે સ્થાનિક તંત્ર તેમની સમસ્યાઓ પ્રત્યે બેદરકાર છે અને હવે જ્યારે તેઓ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા. ત્યારે પણ તેમને રોકવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ ગોધરા નગરપાલિકામાં પ્રવર્તતી આંતરિક સમસ્યાઓ અને સ્થાનિક લોકોના રોષને ઉજાગર કર્યો છે. પાલિકા પ્રમુખ અને રહીશો વચ્ચે થયેલા આ વિવાદ બાદ પણ મીટિંગમાં હાજર અધિકારીઓએ પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.


  • Follow us on: