કોટડાસાંગાણી તાલુકાના હડમતાળા GIDC વિસ્તારમાં આવેલી કોસમોસ ટેક્નોકાસ્ટ પ્રા.લી. નામની કંપનીમાં સર્જાયો હતો એક દુઃખદ અકસ્માત. જૂની દિવાલ પાડતી વખતે અચાનક દિવાલનો ભાગ માથે પડતા એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક શ્રમિકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના કંપનીના હીટ ટ્રીટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં બની હતી.


દિવાલ પાડતી વખતે એક મોટો ભાગ છયો ધરાશાયી

જૂનાગઢના બે શ્રમિકો હીટ ટ્રીટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં બ્રેકર વડે દિવાલ પાડી રહ્યા હતા. દિવાલ પાડતી વખતે અચાનક એક મોટો ભાગ ધરાશાયી થયો હતો. જે 50 વર્ષીય મનસુખભાઈ માવજીભાઈ જાદવના માથા પર પડતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમની સાથે કામ કરી રહેલા 20 વર્ષીય પ્રતાપ બાબુભાઈ સોમાણીનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ કોટડાસાંગાણી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી 

પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. ભારે મશીનરી અને જોખમી કામગીરી કરતી વખતે સલામતીના પૂરતા સાધનો અને નિયમોનું પાલન કરવું કેટલું જરૂરી છે તે આ પ્રકારની ઘટનાઓ દર્શાવે છે.


  • Follow us on: