ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ બજેટમાં કોઈ નવા કરવેરા નાંખવામાં આવ્યા નથી. સમાજના દરેક વર્ગનું બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. ગત વર્ષ કરતાં આ વખતે બજેટમાં 10 ટકા જેટલો વધારો કરાયો છે. બજેટમાં કૂલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી ખર્ચમાં ફાળવવામાં આવ્યા છે. કૃષિ, સિંચાઈ, પાણી, શહેરી વિકાસ માટે 11 ટકા ફાળવવામાં આવ્યા છે.


હાઈ સ્પીડ કોરિડોરમાં 800 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, શિક્ષણ, આર્ટ, સ્પોર્ટ્સ માટે 64,000 કરોડ ફાળવાયા છે. કૃષિ, સિંચાઈ, પાણી, શહેરી વિકાસ માટે 11 ટકા અને 15 હજાર કરોડથી વધુની રકમ ગ્રીન બજેટ માટે ફાળવવામાં આવી છે. પ્રવાસન સેક્ટર માટે 6500 કરોડથી વધુની જોગવાઈ કરાઈ છે. આદિવાસી વિસ્તારોમાં પાંચ નવી જીઆઈડીસી બનાવવામાં આવશે. ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરમાં 800 કરોડની જોગવાઈ કરાઈ છે. AI અને ડિપ ટેકમાં 850 કરોડથી વધુની જોગવાઇ કરાઈ છે. 6 રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનથી વિકાસની નેમ છે.

આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લવાશે

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું.આરોગ્ય સુખાકારી, સામાજિક સેવાઓ માટે 19 ટકા તેમજ કૃષિ, સિંચાઈ, પાણી માટે શહેરી વિકાસ માટે 11 ટકાની ફાળવણી થઈ છે. આ વર્ષે કેપિટલ એક્સપેન્ડિચર માટે જે 39 ટકા રકમ ફાળવવામાં આવી છે તેનાથી સતત-અવિરત અને ગતિશીલ વિકાસની ગતિ પ્રુડન્ટ ફાયનાન્શીયલ મેનેજમેન્ટને કારણે વધુ તીવ્ર બનાવશે. ભગવાન બિરસામુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીના વર્ષમાં આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા 35 હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે.

વિકસિત ગુજરાત 2047નો માર્ગ વધુ ઉજ્જવળ

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ચાર આદિવાસી જિલ્લાઓના 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારમાં ઉદ્વહન સિંચાઈ યોજનાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.આ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક પરિવહન સેવાઓ સાથે ઓલમ્પીક રેડી અમદાવાદ માટે 1200 કરોડથી વધુ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરી છે. રાજ્યમાં ફ્યુચર રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ગુજરાત હાઇ-સ્પીડ કોરીડોરમાં રૂપિયા 800 કરોડના રોકાણ દ્વારા નેક્સટ જનરેશન કનેક્ટિવિટીનું નિર્માણ થશે. ક્લાયમેટ રેઝિલિયન્ટ અને ન્યૂ ટેકનોલોજી માર્ગો માટે 600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકારે 6 રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનથી સંતુલિત આર્થિક વિકાસની નેમ રાખી છે તે માટે લગભગ 7 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે અને વિકસિત ગુજરાત 2047નો માર્ગ વધુ ઉજ્જવળ બનાવ્યો છે.

આ પણ વાંચોઃ Junagadh News: નાગા સાધુઓ વચ્ચે મૃગી કુંડમાં સ્નાન કરવા મુદ્દે કીર્તિ પટેલ સામે બીજી ફરિયાદ નોંધાઈ



  • Follow us on: