7 ઓક્ટોબર, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત રાજ્ય 7થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. વિકાસ સપ્તાહ અંતર્ગત 12 ઓક્ટોબરનો દિવસ શહેરી વિકાસ દિવસ તરીકે ઉજવવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમજ ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના 24 વર્ષોના નેતૃત્વમાં ગુજરાત નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી બન્યું છે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત શહેરીકરણની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા 2025નું વર્ષ ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં મજબૂત રોડ, રેલવે અને એર કનેક્ટિવિટી સાથે રાજ્યને ઉત્તમ પરિવહન સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વિશાળ અને પહોળા રોડ-રસ્તાઓ, આધુનિક સુવિધાઓ સાથેની ટ્રેનો અને સુવ્યવસ્થિત રેલવે નેટવર્ક, આંતરરાષ્ટ્રીય એર્પોર્ટ્સ તેમજ બંદરોના વિકાસ સાથે ગુજરાતમાં એક સુવિકસિત પરિવહન નેટવર્ક છે, જે નાગરિકોને ઉત્તમ કનેક્ટિવિટી પૂરી પાડે છે.
ગુજરાતમાં રોડ-રસ્તાઓનું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ રાજ્યમાં રોડ-રસ્તાઓનું વિશાળ નેટવર્ક નિર્મિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી માટે પ્રગતિપથ, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વિકાસપથ, રાજ્યના પ્રવાસન સ્થળોને કનેક્ટિવિટી આપવા માટે પ્રવાસીપથ, અને ગામડાના ખેડૂતો માટે શહેરી વિસ્તારો સુધી કનેક્ટિવિટી આપવા માટે કિસાનપથ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આજે સમગ્ર રાજ્યમાં વધી રહેલા વાહનવ્યવહારના મેનેજમેન્ટ માટે ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજના નિર્માણ દ્વારા એક સુદ્રઢ રોડ નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે, જેનાથી નાગરિકો માટે પરિવહન સરળ બની રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી, 2024માં દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા અત્યાધુનિક સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના થકી આ બે સ્થળો વચ્ચે પરિવહન સરળ બની ગયું. આ સાથે જ ગુજરાતમાં, જામનગર-ભટિંડા હાઇવે, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે, પોરબંદર-દ્વારકા નેશનલ હાઇવે વગેરેનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે. આ વર્ષના બજેટમાં નમોશક્તિ અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે, એમ બે ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ વેના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. અંદાજિત ₹36,120 કરોડના ખર્ચે નમોશક્તિ એક્સપ્રેસ વે ડીસાથી પીપાવાવ સુધી નિર્માણ કરવામાં આવશે, જેની લંબાઇ 430 કિ.મીની હશે. બીજી તરફ સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે કુલ 680 કિ.મીનો હશે જે અંદાજિત ₹57,120 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેનાથી અમદાવાદ, રાજકોટ અને દ્વારકા આસપાસના વિસ્તારો માટેની કનેક્ટિવિટી સુગમ બનશે. વધુમાં, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી ગુજરાતમાં 3048 ગામડાઓમાં 15,330 કિમી લાંબા રોડ રસ્તાઓ અને 88 પુલોના નિર્માણથી અંદાજિત 20 લાખથી વધુ લોકોને લાભ થયો, જ્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 52224 કિલોમીટર લાંબા રોડ રસ્તાઓના નિર્માણથી 16 હજાર ગામોના 2.6 કરોડથી વધુ લોકોને લાભ થયો છે.
ગુજરાતમાં દોડી રહી છે અત્યાધુનિક ટ્રેનો, મજબૂત રેલવે નેટવર્કનું નિર્માણ
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે આજે ગુજરાતમાં મેટ્રો રેલવે દોડી રહી છે. તેઓએ મુખ્યમંત્રી તરીકે અમદાવાદ તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સની શરૂઆત કરી હતી, અને ભારતના વડાપ્રધાન તરીકે તેમણે સપ્ટેમ્બર, 2022માં અમદાવાદ મેટ્રો રેલના પ્રથમ તબક્કાનો તેમજ સપ્ટેમ્બર, 2024માં અમદાવાદ મેટ્રો રેલના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે જ સુરત મેટ્રોનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.
દેશનો સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ ગુજરાતમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. ગુજરાતનું અમદાવાદ તથા મહારાષ્ટ્રનું મુંબઈ, એવા પહેલા શહેરો હશે, જે ઝડપી ગતિની આ બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર, 2022માં ગુજરાતમાં સૌપ્રથમ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આજે ગુજરાતમાં 5 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. વધુમાં, કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના 89 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે, જેમાંથી 18 રેલવે સ્ટેશનોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મે, 2025માં લોકાર્પણ કરવામાં આવ્યું છે.
અત્યાધુનિક એરપોર્ટ્સનું નિર્માણ, પ્રાદેશિક એર કનેક્ટિવિટીનો વિકાસ
ગુજરાતમાં એરપોર્ટ્સનો પણ અત્યાધુનિક વિકાસ કરવામાં આવ્યો છે. ₹1405 કરોડના ખર્ચે રાજકોટમાં હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવા એરપોર્ટના નિર્માણ પછી રાજકોટના વ્યાવસાયિક વિકાસને વેગ મળ્યો છે. આ સાથે જ ₹3400 કરોડના ખર્ચે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત કરવામાં આવ્યું છે. વધુમાં પ્રાદેશિક કનેક્ટિવિટીને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘ઉડે દેશ કા આમ નાગરિક’ એટલે કે UDAN યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાતમાં ભાવનગર, જામનગર, કંડલા, કેશોદ, મુંદ્રા, પોરબંદર એરપોર્ટ પર કનેક્ટિવિટી વધી છે.
અમદાવાદ અને સુરતનો સફળ બીઆરટીએસ બસ પ્રોજેક્ટ
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં શરૂ કરવામાં આવેલ બીઆરટીએસ બસ પ્રોજેક્ટ સૌથી સફળ પ્રોજેક્ટ છે, જે હેઠળ 350 ઈલેક્ટ્રિક બસો આજે 16 રૂટ્સ પર દોડી રહી છે, અને પ્રતિદિન આશરે 1.5 લાખ મુસાફરો તેનો લાભ લઇ રહ્યા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ બીઆરટીએસ પ્રોજેક્ટ કાર્યરત છે, જ્યાં 870 બસો 67 રૂટ્સ પર દોડી રહી છે અને દરરોજ લગભગ 1.80 લાખ મુસાફરો તેનો લાભ મેળવી રહ્યા છે.