મોરબીના હળવદ શહેરમાં એક બેફામ ટ્રકચાલકનો આતંક સામે આવ્યો છે. જેમાં એક ટ્રકચાલકે પોતાનો ટ્રકને ઝીગઝેગ રીતે ચલાવીને અનેક વાહનોને અડફેટે લઈ લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. જેના કારણે સામાન્ય વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ સમગ્ર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. આ ઘટના હળવદમાં સર્કિટ હાઉસ નજીકના વિસ્તારમાં બની હતી.
બેફામ ટ્રક ચલાવીને વાહનોને લીધા અડફેટે
વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રકચાલક કેવી બેફામ ગતિએ ટ્રક ચલાવી રહ્યો છે અને જાણે પોતાનો કાબૂ ગુમાવી દીધો હોય તેમ ટ્રક રોડ પર આડેધડ ફરી રહ્યો છે. આ દરમિયાન ટ્રકે રસ્તા પર ચાલી રહેલા કેટલાક વાહનોને જેમાં એક છકડાનો પણ સમાવેશ થાય છે તેને અડફેટે લીધા હતા. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી. પરંતુ ટ્રકચાલકની આ બેદરકારીને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.













