તહેવારોના રાજા ગણાતી દિવાળીની ખરીદી માટે રાજકોટના બજારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય બજારો જેવા કે લાખાજી રાજ અને ધર્મેન્દ્ર રોડ માર્કેટમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી પડી છે. લોકોમાં દિવાળીની ખરીદીનો થનગનાટ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. રાજકોટવાસીઓ આ પવિત્ર તહેવારને આવકારવા માટે જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. બજારોમાં ચારેકોર રોશની અને ખરીદીનો માહોલ છવાયેલો છે.
દિવાળીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ
ખાસ કરીને કપડાં, ઘરની સજાવટ માટેના તોરણ, ફુલહાર અને દિવાળીમાં આવશ્યક ગણાતા વિવિધ પ્રકારના મુખવાસની દુકાનોમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. લાખાજી રાજ અને ધર્મેન્દ્ર રોડ માર્કેટમાં પગ મૂકવાની પણ જગ્યા નથી એટલી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે એકઠા થયા છે. આ ભીડ જોઈને વેપારીઓના ચહેરા પર પણ ખુશી છલકાઈ રહી છે. લાંબા સમય બાદ બજારોમાં આટલો સારો ઘરાકીનો માહોલ જોવા મળતા વેપારીઓ ખુશખુશાલ છે.













