કચ્છમાં દર વર્ષની જેમ આ વખતે પણ શાળા પ્રવેશ કાર્યક્રમની સાથે સાથે જ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં આરબીકેએસ ( રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ ) હેઠળ હાલે જિલ્લામાં 39 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ દરેક ટીમમાં એક મેલ ડોક્ટર, એક ફીમેલ ડોક્ટર, આયુષ તેમજ એક એનએનએફ અને ફાર્માસિસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમોને વિવિધ ગામોની શાળાઓ સુધી પહોંચવા માટે વાહનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. આ ટીમો દ્વારા જિલ્લાની 2,170 આંગણવાડીના 1.88 લાખ બાળકો અને 2,424 શાળાના 3.95 લાખ બાળકો મળીને કુલ 5.83 લાખ બાળકોની આરોગ્યની તપાસણી કરશે.
5 વર્ષના અને 10 વર્ષના બાળકોને ધનુરની વેક્સિન પણ આપવામાં આવી
આ બાબતે વધુ માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી મિતેષ ભંડેરીએ જણાવ્યું હતું કે, શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત 39 જેટલી આરોગ્યની ટીમો દ્વારા વિવિધ શાળાઓમાં બાળકોના આરોગ્યની તપાસણીની શરૂઆત કરી દેવામાં આવી છે. આ ટીમો દરેક તાલુકામાં જેટલી પણ સરકારી શાળા, ખાનગી શાળા, મદરેસાઓ તેમજ શાળાએ ન જતાં બાળકોની બેઝિક આરોગ્યની તપાસ કરશે. આમેય વર્ષમાં બે વાર આ ટીમો દ્વારા શાળાનાં બાળકોની બેઝિક તપાસ કરવામાં આવતી હોય છે. હાલે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું હોઈ પ્રવેશ ઉત્સવની સાથે જ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. વધુમાં તેમણે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમ્યાન 5 વર્ષના અને 10 વર્ષના બાળકોને ધનુરની વેક્સિન પણ આપવામાં આવી રહી છે. મુખ્યત્વે તબીબો દ્વારા બાળકોની બેઝિક તપાસ જેવી કે, ઊંચાઇ, વજન, લોહીની ઉણપ, અન્ય કોઈ ખામી, બીમારીની તપાસ કરવામાં આવી રહી છે. રોગનાં લક્ષણો સામાન્ય હોય તો સ્થળ પર જ બાળકોને દવા આપવામાં આવે છે અને ગંભીર જણાય તો નજીકનાં દવાખાનામાં સારવાર આપવામાં આવે છે. આ માટે સ્થળ પર જ બાળકને સંદર્ભકાર્ડ બનાવી આપવામાં આવે છે.
ગંભીર બીમારીગ્રસ્ત બાળકોને જરૂર પડે જિલ્લા બહાર સારવાર
ગંભીર બીમારી ધરાવતા બાળકોને વધુ સારવારની જરૂર પડે તો કચ્છમાંથી અમદાવાદ ખાતેની સિવિલ સહિતની હોસ્પિટલોમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવે છે. જ્યાં બાળકોને ફ્રી સારવાર તેમજ ઓપરેશનની જરૂર હોય તો તે પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સિવાય સુપર સ્પેશિયાલિસ્ટ સરવારની જરૂર હોય તો તે પણ નિઃશુલ્ક કરાવી આપવામાં આવે છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોને દર વર્ષે હાર્ટનાં, કિડનીનાં કે કેન્સર જેવા ગંભીર રોગની નિઃશુલ્ક સારવાર કરી આપવામાં આવે છે. જેમાં 0થી 18 વર્ષના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે.
શાળાનાં બાળકોની 4ડી મુજબ તબીબો દ્વારા સારવાર
શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમ્યાન તબીબો દ્વારા બાળકોની ૪ ડીને ધ્યાને રાખીને તપાસ કરવામાં કરવામાં આવે છે. જેમાં ડીસાઇડ એટલે ખોડખાંપણ, ડેફીસેસી એટલે કે ન્યુટ્રીશન કે કોઈપણ ઉણપ, ડીલે એટલે કે માનસિક કે શારીરિક વિકાસ નોર્મલ કરતાં ધીમો થયો હોય અને ડિસીઝ એટલે કે કોઇપણ સામાન્ય કે ગંભીર રોગની તપાસણીનો સમાવેશ થાય છે.
494 પેરા મેડિકલ ટીમો દ્વારા વજન, ઊંચાઈનું માપન
જિલ્લાની વિવિધ શાળાઓમાં શાળા આરોગ્ય તપાણી કાર્યક્રમ દરમ્યાન 494 જેટલી પેરા મેડિકલ ટીમો દ્વારા બાળકોનાં વજન માપવામાં આવે છે, ઊંચાઈ માપવામાં આવે છે એટલું જ નહીં સ્થળ પર બાળકોમાં હિમોગ્લોબીનની પણ તપાસ કરવામાં આવે છે. જેને કારણે બાળકોમાં સામાન્ય બીમારી કે ગંભીર બીમારી હોય તો તેનું સ્થળ પર જ નિદાન થઇ જાય છે. તેથી બાળકની ઝડપી સારવાર પણ શરૂ થઈ જાય.