હિંમતનગરમાં આજે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ભારે વરસાદથી હિંમતનગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના પરિણામે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદે સર્જેલી તારાજીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. જે શહેરની ભયાનક પરિસ્થિતિ દર્શાવે છે. સાંબેલાધાર વરસાદ વરસતા ગણતરીના કલાકોમાં જ અનેક રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.


નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી

હિંમતનગરની ઘણી બધી સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જેના કારણે સ્થાનિકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ રસ્તાઓ પર પાર્ક કરેલી અનેક કાર પાણીમાં ગરકાવ થઈ હતી જેના વાહન માલિકોને ભારે નુકસાન થયું છે. પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. સ્થાનિકોમાં આ પરિસ્થિતિ જોઈને પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે પ્રી-મોન્સૂન કામગીરી યોગ્ય રીતે ન થવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.

અનેક સોસાયટીઓમા વરસાદી પાણી ઘુસ્યા

વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આખું શહેર પાણીમાં ડૂબેલું હોય તેવું લાગી રહ્યું છે. રસ્તાઓ પર પાણીની નદીઓ વહી રહી હતી અને રહેણાંક વિસ્તારોમાં તળાવ જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. આ દ્રશ્યો સાબિત કરે છે કે વરસાદે શહેરમાં કેવી તારાજી સર્જી છે. વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે પંપિંગ મશીનરીની મદદ લેવામાં આવી રહી છે. પરંતુ સતત વરસાદને કારણે રાહત કામગીરી ધીમી પડી રહી છે. 

  • Follow us on: