હૂડાના નોટીફિકેશન સામે હિંમતનગરમાં ઉગ્ર વિરોધ શરુ થયો છે. આજે કાંકણોલ ખાતે યોજાયેલી મહાપંચાયતમાં હજારો ખેડૂતો પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો.
11 ગામોના ખેડૂતોનો ઉગ્ર વિરોધ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હિંમતનગર અર્બન ડેવલમેન્ટ ઓથોરિટી હુડાનું નોટિફીકેશન જારી કરવામાં આવ્યું છે. આ મામલે છેલ્લા ઘણા સમયથી હિંમતનગરની આસપાસના 11 ગામોના ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આજે હિંમતનગરના કાંકણોલમાં માટે વિરોધ કરવા માટે ખેડૂતોની મહાપંચાયત યોજાઇ હતી
આજની મહાપંચાયતમાં 15 હજારથી વધુ ખેડૂતો પહોંચ્યા
મહાપંચાયતમાં હિંમતનગરના અગિયાર ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. છેલ્લા 52 કરતા વધુ દિવસથી ખેડૂતોનો આ મામલે વિરોધ થઇ રહ્યો છે. આજની મહાપંચાયતમાં 15 હજારથી વધુ ખેડૂતો પહોંચ્યા હતા
હુડામાં 40% ખેડૂતોની જમીન કપાતમાં જશે
ખેડૂતોનું કહેવું છે કે હુડામાં 40% ખેડૂતોની જમીન કપાતમાં જશે અને તેથી જમીન બચાવવા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોએ હૂડા હટાવો, જમીન બચાવોના સૂત્રો સાથે વિરોધ કર્યો હતો. દીકરીઓ સાથે હળની પૂજા કરાવી વિરોધ શરૂ કર્યો હતો.
હૂડા નોટિફિકેશન રદ ન થાય તો ઉગ્ર આંદોલન કરાશે
આવનાર દિવસોમાં હૂડા નોટિફિકેશન રદ ન થાય તો ઉગ્ર આંદોલન કરાશે તેમ ખેડૂતોએ જણાવ્યું છે. ખેડૂતો હૂડા નોટિફિકેશન રદ કરવા સરકાર સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આજના વિરોધ પ્રદર્શનને લઇને પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો.
ગાંધી ટોપી પહેરી હુડા હટાવો જમીન બચાવો નું સૂત્ર આપ્યું
ખેડૂતોએ ગાંધી ટોપી પહેરી હુડા હટાવો જમીન બચાવો નું સૂત્ર આપ્યું હતું. તમામ ખેડૂતોએ આજે ગાંધી ટોપી પહેરી હતી. આ વિરોધ બિન રાજકીયરીતે ચાલી રહ્યો છે. આજે મહિલાઓ પણ મોટી સંખ્યામાં પહોંચી હતી.