સાબરકાંઠા જિલ્લામાં એક ગર્ભવતી મહિલાના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેને પગલે ભારે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. મૃતક મહિલાના પરિવારે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. ગઈકાલે એક ગર્ભવતી મહિલાએ હિંમતનગર સિવિલ હોસ્પિટલના દસમા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. મૃતક મહિલા એક દીકરીની માતા પણ હતી અને તેના ગર્ભમાં બીજું બાળક પણ હતું.


ગઇકાલે મહિલાએ સિવિલ હોસ્પિટલમાં કર્યો હતો આપઘાત 

આ ઘટના બાદ તેના પરિવારમાં શોક અને આક્રોશનો માહોલ છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે મહિલાને તેના સાસરિયાઓ દ્વારા દહેજની માંગણી અને અન્ય કારણોસર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને જ તેણે આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું છે. આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે મૃતકના પતિ, સાસુ, સસરા અને દિયર સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધવામાં આવી છે.

પતિ, સાસુ, સસરા, દિયર સામે નોંધાઇ ફરિયાદ

જોકે ફરિયાદ નોંધાયાના 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. આથી મૃતકના પરિવારે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર કરશે નહીં. હાલમાં મહિલાનો મૃતદેહ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો છે અને પોલીસનો કાફલો પણ ત્યાં હાજર છે. પરિવાર આરોપીઓની ધરપકડ અને ન્યાયની માંગ સાથે મક્કમ છે.


  • Follow us on: