સાબરકાંઠા જિલ્લામાં ખરીફ પાકની વાવણીની સિઝન જામી છે, ત્યારે ખાતર મેળવવા માટે સરકારે શરૂ કરેલી નવી ઓનલાઈન સિસ્ટમ સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સરકારના 'ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઈઝર સેલ પ્રોજેક્ટ' અંતર્ગત લાવવામાં આવેલી નવી એપ્લિકેશનનો હિંમતનગર તાલુકાની વિવિધ સહકારી મંડળીઓ અને ખેડૂત સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોમવારે મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વાવણી ટાણે સર્વર ડાઉન થતાં જગતનો તાત મુશ્કેલીમાં
હાલ ખેતરોમાં વાવણીનો કિંમતી સમય ચાલી રહ્યો છે, અને પાક માટે ખાતરની સખત જરૂરિયાત છે. આવી સ્થિતિમાં નવી ઓનલાઈન એપ્લિકેશનમાં ફરજિયાત નોંધણી બાદ જ ખાતર આપવાનો નિયમ બનાવાયો છે. જોકે, વિરોધનું મુખ્ય કારણ એ છે કે, વાવણીના ટાણે જ આ ઓનલાઈન સિસ્ટમના સર્વર ડાઉન થઈ રહ્યા છે. કલાકો સુધી સર્વર ન ચાલવાને કારણે ખેડૂતોને ખાતરનો જથ્થો મળી રહ્યો નથી, જેના લીધે જગતનો તાત ચિંતામાં ડૂબ્યો છે.
જૂની પદ્ધતિથી જ ખાતર વિતરણ કરવાની માગ
ખેડૂતો અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરી છે. ખેડૂતોની માગ છે કે, આ નવી ઓનલાઈન એપ્લિકેશનને કાયમી ધોરણે બંધ કરવામાં આવે. તેના બદલે અગાઉની જેમ જ સરકારી ઓળખપત્ર આધારિત ચકાસણીની રાબેતા મુજબની પદ્ધતિથી ખાતરનું વિતરણ તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી ખેડૂતોનો સમય ન બગડે.

ખેડૂતોએ આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ
હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે એકઠા થયેલા ખેડૂતોએ તંત્રની નીતિઓ સામે ભારે સૂત્રોચ્ચાર કરીને કચેરી પરિસર ગજવી મૂક્યું હતું. ખેડૂત સંગઠનોએ વહીવટી તંત્ર અને સરકારને સ્પષ્ટ શબ્દોમાં 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી 48 કલાકમાં આ ઓનલાઈન એપ્લિકેશન બંધ કરીને ખાતરનું સરળ વિતરણ શરૂ નહીં કરાય, તો સમગ્ર જિલ્લાના ખેડૂતો અને સંગઠનો ભેગા મળીને ઉગ્ર આંદોલન છેડશે.
આ પણ વાંચો - Sabarkantha Farmers Protest: અંગ્રેજી એપ મામલે ખેડૂતોએ આપી આંદોલનની ચીમકી