કેન્દ્ર સરકારના એક નવા પાયલોટ પ્રોજેક્ટ સામે ગુજરાતના ખેડૂતોએ હવે બાયો ચડાવી છે. 'ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ' નામની નવી અંગ્રેજી એપ્લિકેશન સામે જગતના તાત ઉગ્ર આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ વાવણીના સમયે જ આ ઓનલાઇન સિસ્ટમના સર્વર ડાઉન થતાં અને ખેડૂતોને જરૂરિયાત કરતાં ખાતરનો ઓછો જથ્થો મળી રહ્યો છે. જે કારણે સાબરકાંઠા સહિત સમગ્ર પંથકમાં ખેડૂતોનો ભારે રોષ ફાટી નીકળ્યો છે.

અંગ્રેજી એપ અને સર્વર ડાઉનની સમસ્યાથી ખેડૂતો પરેશાન

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને સરકારની નવી નીતિના કારણે ફરી એકવાર ધંધે લાગવાનો વારો આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ખાતરના વિતરણ માટે શરૂ કરવામાં આવેલી આ નવી જટિલ ડિજિટલ એપ્લિકેશન હેઠળ, ખેડૂતે ખાતર જોઈતું હોય તો પહેલા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી જમીનનો સર્વે નંબર નાખવો પડે છે. ત્યારબાદ એપ્લિકેશન પોતે નક્કી કરે છે કે, કયા ખેડૂતને કેટલું ખાતર આપવું, પરંતુ વાવણીના અમૂલ્ય સમયે ક્યાંક ઓટીપી નથી આવી રહ્યા તો ક્યાંક સોફ્ટવેરના સર્વર ડાઉન થઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી ખાતર મેળવવા માટે મંડળીઓ અને સોસાયટીઓના ધક્કા ખાઈ રહ્યા છે.

ઓછો જથ્થો મળતા પાકના ઉત્પાદન પર માઠી અસરની ભીતિ

ખેડૂતોનો સૌથી મોટો આક્રોશ એ વાતનો છે કે, આ આખી એપ્લિકેશન અંગ્રેજી ભાષામાં છે, જે સામાન્ય ખેડૂત માટે સમજવી ખૂબ મુશ્કેલ છે. આ ઉપરાંત, જમીનની વાસ્તવિક જરૂરિયાત સામે આ એપ્લિકેશનમાં ખાતરનો જથ્થો પણ ખૂબ ઓછો નક્કી કરવામાં આવ્યો છે. ખેડૂતોને ચિંતા છે કે, જો પાકને પૂરતું ખાતર નહીં મળે, તો તેની સીધી અસર પાકના ઉત્પાદન પર પડશે અને ખેડૂતો પાયમાલ થઈ જશે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ ખેડૂતો પોતાનું ઓળખપત્ર લઈને સોસાયટીમાં જતા અને મશીન પર અંગૂઠો લગાવીને સરળતાથી ખાતર મેળવી લેતા હતા. ખેડૂતોનું કહેવું છે કે, જો સરકારને ખાતરની ચોરી અટકાવવી હોય તો મોટા માથાઓને પકડે, વાવણીના સમયે ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે. જો આ પદ્ધતિ નાબૂદ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે.

https://twitter.com/sandeshnews/status/2068334859152724475

એસી કેબિનોમાં બેસીને બનતી અટપટી નીતિઓ સામે સવાલ

હાલ ખેડૂતો વીજપોલ મામલે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનમાં વધુ એક મુદ્દો જોડાય તેવી શક્યતા છે. હાલ ચોમાસુ શરૂ થઈ ગયું છે, આવા સમયે જો ખેડૂતોને સમયસર ખાતર ન મળે તો પાકને મોટાપાયે નુકસાન જવાની શક્યતા નકારી શકાતી નથી. આવામાં આ સમસ્યાનો ઉકેલ ઝડપી લાવવો અતિ આવશ્યક છે.

એસી કેબિનોમાં બેસીને અટપટી નીતિઓ બનાવતું તંત્ર કદાચ એ ભૂલી ગયું છે કે, ખેડૂત ખેતરમાં રાત-દિવ પરસેવો પાડે છે, તે કોઈ સોફ્ટવેર એન્જિનિયર નથી. વાવણીના એક-એક મિનિટના કિંમતી સમયે જો ખેડૂતનો સમય ઓનલાઇન અરજીઓ અને લાઈનોમાં જ બગડશે, તો દેશનો અન્નદાતા કઈ રીતે બેઠો થશે? હવે જોવાનું એ રહેશે કે, ખેડૂતોની આ ખુલ્લી ચીમકી બાદ સરકાર આ પાયલોટ પ્રોજેક્ટ પર રોક લગાવી જૂની પદ્ધતિ શરૂ કરે છે કે, પછી સાબરકાંઠાથી શરૂ થયેલું આ આંદોલન રાજ્ય વ્યાપી મોટું સ્વરૂપ ધારણ કરે છે.


આ પણ વાંચો - Himatnagar: સાબરકાંઠામાં સબસિડાઈઝ ખાતર પ્રી-બુકિંગ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે