સાબરકાંઠા જિલ્લાના ઈડર પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક અત્યંત ચોંકાવનારી અને ક્રૂર ઘટના સામે આવી છે. પ્રેમ લગ્ન અથવા મૈત્રી કરાર કરનાર એક પ્રેમી યુગલને સમાજના જ કેટલાક કથિત ઠેકેદારો દ્વારા ક્રૂરતાપૂર્વક તાલીબાની સજા આપવામાં આવી હોવાનો સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઈડરની એક ખાનગી હોસ્પિટલમાંથી આ યુગલનું ચપ્પુની અણીએ ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
સમાજની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા
મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર યુવકે પોતાના જ સમાજની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ બાબતની અદાવત રાખીને સાત જેટલા શખ્સો ઈડરની ખાનગી હોસ્પિટલમાં ઘૂસી ગયા હતા અને ચપ્પુની અણીએ બળજબરીપૂર્વક પ્રેમી યુગલને ઉઠાવી ગયા હતા.
યુવકના માથાના વાળ ઉતારીને તેને ટાલ કરી દીધી
અપહરણકારો આ યુગલને વડગામ વિસ્તારમાં લઈ ગયા હતા, જ્યાં ક્રૂરતાની તમામ સીમાઓ પાર કરવામાં આવી હતી. ત્યાં યુવકને દોરડા વડે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પિશાચી આનંદ મેળવવા માટે હુમલાખોરોએ યુવકના માથાના વાળ ઉતારીને તેને ટાલ કરી દીધી હતી.
નવ જેટલા લોકોએ ભેગા મળીને તેના પર અમાનુષી ત્રાસ ગુજાર્યો
પીડિત યુવકે આક્ષેપ કર્યો છે કે નવ જેટલા લોકોએ ભેગા મળીને તેના પર અમાનુષી ત્રાસ ગુજાર્યો હતો. ગંભીર આક્ષેપ મુજબ, હુમલાખોરોએ યુવકને કેળના મૂળનો રસ હોવાનું કહીને બળજબરીપૂર્વક કોઈ પ્રવાહી પીવડાવ્યું હતું, જેનો હેતુ યુવકને નપુંસક બનાવવાનો હતો.
પોલીસને ફરિયાદ કરી
આ ભયાનક આપવીતી બાદ પીડિત યુવકે હિંમત પૂર્વક સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા અને ઈડર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પીડિત પક્ષે પોતાની ફરિયાદના આધારે તમામ નરાધમો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે વાયરલ વીડિયો અને ફરિયાદના આધારે ગુનો નોંધી નરાધમોને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી મળશે