સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાંથી વ્યાજખોરોના ત્રાસનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાના મટોડા ગામે રહેતા એક નિર્દોષ પરિવારને વ્યાજખોર દ્વારા અસહ્ય હેરાનગતિ કરવામાં આવતી હોવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હોવાની વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પરિવારે આખરે કંટાળીને કાયદાનો સહારો લીધો છે.
નાણાં વ્યાજ સમેત પૂરેપૂરા પરત ચૂકવી દીધા
મળતી માહિતી મુજબ, મટોડા ગામના પીડિત પરિવારે આક્ષેપ કર્યો છે કે તેમણે વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સમેત પૂરેપૂરા પરત ચૂકવી દીધા છે. આમ છતાં, લોભી વ્યાજખોરની દાનત બગડતાં તે હજુ પણ બાકી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી રહ્યો છે. વ્યાજખોર દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપીને પરિવારને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યો છે. હદ તો ત્યારે થઈ જ્યારે વ્યાજખોરે સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી દીધી હતી.













