સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાંથી લગ્ન પ્રસંગમાં લોહિયાળ હિંસક ઝઘડો થયો હોવાની ઘટના સામે આવી છે. તાલુકાના ચંદ્રણા ગામના ઘવા ફળીયામાં રાજસ્થાનથી એક લગ્નની જાન આવી હતી. આ જાનના વરઘોડા દરમિયાન મોટા અવાજે ડીજે (DJ) વાગી રહ્યું હતું, જેનો અવાજ ધીમો કરવા જેવી મામૂલી બાબતે સ્થાનિકો અને જાનૈયાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
સામસામે ભારે પથ્થરમારો
આ સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા. મામલો એટલો બિચક્યો હતો કે બંને જૂથના લોકોએ એકબીજા પર આડેધડ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. લગ્નનો હર્ષોલ્લાસનો માહોલ અચાનક ચીસાચીસ અને ભયમાં ફેરવાઈ ગયો હતો. આ હિંસક અથડામણમાં બંને પક્ષના થઈને ૧૫થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.













