રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે આકાશી આફત ઉતરી રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાબરકાંઠાના પોશીના તાલુકાના દાંતિયા ગામે ગાજવીજ અને ભારે વરસાદ દરમિયાન વીજળી પડતાં એક 18 વર્ષના આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. વેકેશન ગાળવા મામાના ઘરે આવેલા ભાણિયા પર કાળ ત્રાટકતાં પરિવાર અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


સનાલી ગામનો રહેવાસી છે યુવક

ઘટનાની મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકાના સનાલી ગામનો રહેવાસી 18 વર્ષીય યુવક વિક્રમભાઈ માલજીભાઇ તરાલ વેકેશન દરમિયાન પોશીનાના દાંતિયા ગામે પોતાના મામાના ઘરે રહેવા આવ્યો હતો. દરમિયાન, પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ સમયે યુવક ઘરની નજીક આગળના ભાગે ઊભો હતો.

વેકેશનની ખુશીઓ માતમમાં ફેરવાઈ

ત્યારે જ અચાનક આકાશમાંથી ભયાનક ગડગડાટ સાથે વીજળી ઘર નજીક ઊભેલા વિક્રમ પર પડી હતી. વીજળીનો આંચકો એટલો જોરદાર હતો કે, યુવક શરીરના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો અને જોતજોતામાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વેકેશનની ખુશીઓ વચ્ચે અચાનક બનેલી આ કાળઝાળ ઘટનાથી મામાના પરિવાર સહિત સનાલી ગામે રહેતા યુવકના માતા-પિતા પર જાણે આભ તૂટી પડ્યું છે. ઘટનાને પગલે દાંતિયા ગામમાં અરેરાટી સાથે ભારે ગમગીની વ્યાપી ગઈ છે.


આ પણ વાંચો - Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા


  • Follow us on: