સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાંતિજના વદરાડ ગામ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે મોપેડ સવારને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં મોપેડ ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.


ઈન્ડો-ઈઝરાયલ સેન્ટર પાસે કાળમુખી કારે પાછળથી મારી ટક્કર

પ્રાપ્ત વિગતો અનુસાર, આ અકસ્માત વદરાડમાં આવેલા જાણીતા 'ઈન્ડો-ઈઝરાયલ એક્સલન્સ સેન્ટર'ની બિલકુલ નજીક સર્જાયો હતો. પ્રાંતિજના રહેવાસી મહેન્દ્રભાઇ અરવિંદભાઇ ભાવસાર પોતાનું મોપેડ લઈને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન પાછળથી ધસમસતી આવેલી એક અનિયંત્રિત કારના ચાલકે તેમના મોપેડને જોરદાર અડફેટે લીધું હતું. આ ગંભીર અકસ્માતમાં મહેન્દ્રભાઇને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.

અકસ્માત સર્જી કાર ચાલક ફરાર: પોલીસે હાથ ધરી તપાસ

અકસ્માતની આ ઘટના બાદ હાઈવે પર લોકો ભેગા થઈ જતાં, પકડાઈ જવાની બીકે કાર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પ્રાંતિજ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કાર જપ્ત કરી ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: