સાબરકાંઠાની સાબરડેરીમાં ભાવ ફેર મુદ્દે પશુપાલકોએ આંદોલન કર્યું હતું. જેમાં ડેરી દ્વારા અનેક રજૂઆતોનો ઉકેલ નહીં લવાતા પશુપાલકોએ ડેરી ખાતે એકઠા થઈને ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. પોલીસે એકઠા થયેલા પશુપાલકોના ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના 50 જેટલા સેલ છોડ્યા હતાં. આ આંદોલનમાં 46 લોકોની અટકાયત કરાઈ હતી અને 74 આગેવાનો સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. ત્યાર બાદ સાબરકાંઠાના તાલુકાઓમાં પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળવાનું શરૂ કર્યું હતું. ડેરીમાં દૂધની આવક બંધ થતાં પ્રોડક્શનને અસર થઈ હતી. પરંતુ હવે સાબર ડેરીએ પ્રતિ કિલો ફેટે ભાવ વધારો જાહેર કર્યો છે.


પ્રતિ કિલો ફેટે પાંચ રૂપિયાનો વધારો જાહેર કરાયો

પશુપાલકોના આંદોલન વચ્ચે સાબર ડેરીએ પ્રતિ કિલો ફેટે ભાવ વધારો જાહેર કર્યો છે. 990ની જગ્યાએ 995 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે. પ્રતિ કિલો ફેટે પાંચ રૂપિયાનો વધારો જાહેર કરાયો છે. સાબર ડેરીની બેઠકમાં આ ભાવ વધારા અંગે નિર્ણય લેવાયો છે. પશુપાલકોની માગનો સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો છે. ભાવફેરની વધઘટ ઝડપથી આપવામાં આવશે. જેલમાં ગયેલા પશુપાલકોને છોડાવવા માટે પણ પ્રયાસ કરાશે. સાબર ડેરીના આ નિર્ણયથી હજારો પશુપાલકોને ફાયદો થશે. 18 દૂધ સંઘ માંથી માત્ર બે જ સંઘ દ્વારા હાલમાં ભાવ વધારો આપ્યો છે.

આંદોલન બાદ ડેરીમાં ભાવ ફેર મુદ્દે બેઠક યોજાઈ

આ બેઠકમાં ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા પણ હાજર રહ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, દરેક સંઘ કરતાં આ વર્ષે પણ ગુજરાતમાં સૌથી વધુ ભાવ અપાયા છે. 14 તારીખે થયેલા આંદોલન બાદ ડેરીમાં ભાવ ફેર મુદ્દે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગત વર્ષે મળેલા ભાવ વધારા કરતાં વધુ ભાવ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પશુપાલકોને 990ની જગ્યાએ 995 ભાવફેર અપાશે. પશુપાલક આંદોલનમાં જેલમાં ગયેલા 47ને છોડવા તાત્કાલિક પ્રયાસ કરાશે. આ આંદોલનમાં મૃત્યુ પામેલા અશોક ચૌધરીને સાબરડેરીની તમામ મંડળીઓ ભાગીદાર કરશે.


  • Follow us on: