વાત છે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતા હિંમતનગરના દેરોલ પાસેના સાબરમતી નદી પરના બ્રિજની. આ બ્રિજ જર્જરિત થતાં બે મહિના પહેલા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. પણ હવે જ્યારે રિપેરિંગ અને ટેસ્ટિંગનું કામ પૂરું થઈ ગયું છે. ત્યારે વહીવટી તંત્રની ઢીલી નીતિના પગલે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.
આ બ્રિજ બંધ થતાં જ સ્થાનિકોની મુશ્કેલીઓનો દોર શરૂ થઈ ગયો
હિંમતનગરના દેરોલ પાસે આવેલો આ સાબરમતી બ્રિજ માત્ર બે જિલ્લાને જ નહીં. પણ હજારો લોકોના રોજીંદા જીવનને જોડતી એક મહત્ત્વની કડી છે. બે મહિના પહેલા, આ બ્રિજની જર્જરિત સ્થિતિને કારણે તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો. નિર્ણય સુરક્ષા માટે જરૂરી હતો, પરંતુ બે મહિના વીતી ગયા હોવા છતાં, આજે પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નથી. આ બ્રિજ બંધ થતાં જ સ્થાનિકોની મુશ્કેલીઓનો દોર શરૂ થઈ ગયો. વિદ્યાર્થીઓ હોય કે નોકરિયાત વર્ગ, ખેડૂતો હોય કે મજૂર વર્ગ, તમામને હવે બે કિલોમીટરનું વધારાનું અંતર ચાલીને કાપવું પડે છે.બે કિલોમીટરની આ મુસાફરી ભલે નાની લાગે, પણ આ બે મહિનામાં આ હજારો લોકોના સમય અને શક્તિનો મોટો વ્યય થયો છે. રોજેરોજની આ હાલાકીએ લોકોને હવે સરકાર અને વહીવટી તંત્ર સામે સવાલો ઉઠાવવા મજબૂર કર્યા છે.
નવા બ્રિજ માટે ગ્રાન્ટ ફાળવાઈ ચૂકી છે
છતાં પણ 'ગતિશીલ ગુજરાત'ના અધિકારીઓની ઊંઘ હજુ ઉડી નથી તેમ લાગી રહ્યું છે. કારણ સ્પષ્ટ છે, જર્જરિત બ્રિજ પરનું રિપેરિંગ કાર્ય, જેમાં રંગરોગાન અને લોડિંગ ટેસ્ટનો સમાવેશ થાય છે, તે વીસ દિવસ પહેલા જ પૂર્ણ થઈ ચૂક્યું છે. ટેસ્ટિંગ પૂરું થયાના વીસ દિવસ વીતી ગયા, છતાં બ્રિજને વાહન વ્યવહાર માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો નથી. અધિકારીઓની આ નિષ્ક્રિયતા જનતાની મુશ્કેલીઓનું મુખ્ય કારણ બની છે. સ્થાનિકો અને કામદાર વર્ગની હવે એક જ માગ છે. જો બ્રિજ સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયો હોય તો પણ, ઓછામાં ઓછા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટેનો પ્રતિબંધ હટાવી દેવામાં આવે. જેથી તેમને આ બે કિલોમીટરની કષ્ટદાયક મુસાફરી માંથી મુક્તિ મળે.
દેરોલ બ્રિજની આ સ્થિતિ માત્ર એક રોડની સમસ્યા નથી
પણ સરકારી તંત્રના સંકલન અને ઝડપ પરનો એક મોટો સવાલ છે. જ્યારે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ટેસ્ટિંગ પણ થઈ ગયું છે, ત્યારે માત્ર એક આદેશના અભાવે હજારો લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિકોની માગ સ્પષ્ટ છે કે, ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે બ્રિજ તાત્કાલિક ખૂલ્લો મૂકવામાં આવે, જેથી તેમની હાલાકી દૂર થાય. હવે જોવાનું એ રહે છે કે, વહીવટી તંત્ર ક્યારે જાગે છે અને જનતાને ક્યારે રાહત મળે છે.