સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના રાવોલ ગામના સરપંચ અલ્પેશ ઠાકોરને તાંત્રિક ભૂવા બનીને છેતરપિંડી આચરવાના ગુનામાં પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને કારણે આ મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે અલ્પેશ ઠાકોર સામે જાદર અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં તાંત્રિક વિધિના બહાને લોકો સાથે છેતરપિંડી કરવા બદલ ફરિયાદ નોંધાઈ હતી.


સરપંચ અલ્પેશ ઠાકોરને DDOએ પદ પરથી દૂર કર્યા

અલ્પેશ ઠાકોર પર આરોપ હતો કે તેણે લોકોને પૈસાનો વરસાદ થશે તેવી લાલચ આપીને તેમની પાસેથી મોટી રકમ પડાવી હતી. આ ગુનાહિત પ્રવૃત્તિને કારણે પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. સરપંચ પદે ચૂંટાયા બાદ માંડ દસ દિવસમાં જ અલ્પેશ ઠાકોર જેલમાં પૂરાયા હતા. તેના વિજયને હજુ પોણા બે મહિના જ થયા હતા ત્યાં તેને પદ પરથી દૂર કરવામાં આવ્યો છે. પંચાયત અધિનિયમ મુજબ કોઈ વ્યક્તિ નૈતિક અધઃપતનના ગુનામાં દોષિત ઠરે તો તેને જાહેર હોદ્દા પરથી દૂર કરી શકાય છે.

નૈતિક અધઃપતનનો ગુના હેઠળ સરપંચ પદેથી દૂર કરાયા

આ નિયમ હેઠળ જ ડીડીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાએ ગ્રામીણ વિસ્તારોમાં અંધશ્રદ્ધા અને છેતરપિંડીની જાળમાં ફસાતા લોકોની વાસ્તવિકતા ઉજાગર કરી હતી. એક જનપ્રતિનિધિ જ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોય તે સમાજ માટે ચિંતાજનક બાબત છે. આ કાર્યવાહી સમાજને એક સંદેશ આપે છે કે આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા લોકોને જાહેર જીવનમાં કોઈ સ્થાન નથી. અલ્પેશ ઠાકોરને પદ પરથી દૂર કરવાના આ નિર્ણયને લોકોએ આવકારવો જોઈએ.


  • Follow us on: