સમગ્ર દેશમાં શ્વાનોને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, પરંતુ કેશોદ કોર્ટ કમ્પાઉન્ડમાં શ્વાન અને તેમના બચ્ચાએ ડેરો જમાવ્યો છે અને આવતા જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. કેશોદ કોર્ટ કમ્પાઉન્ડમાં કૂતરી દ્વારા બચ્ચાંને જન્મ આપવાના મામલે સર્જાયેલા સંઘર્ષમાં હવે નગરપાલિકાની ભૂમિકા નિર્ણાયક બની છે.
ઈન્ફેક્શન અને મહામારી સામે રક્ષણ જરૂરી
કોર્ટ પ્રશાસને રખડતા શ્વાનોના ત્રાસ સામે અરજી કર્યા બાદ વકીલ મંડળે તેને 'જાહેર હિત'નો મુદ્દો ગણાવી તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા નગરપાલિકાને કરવામાં આવેલી અરજીનું મજબૂત સમર્થન કર્યું હતું. કોર્ટના મોટા કમ્પાઉન્ડમાં કૂતરાઓની અવરજવર વધી છે અને બચ્ચાં હોવાને કારણે પક્ષકારોમાં કૂતરા કરડવાનો ડર ફેલાયો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો હવાલો આપતા કહ્યું કે રખડતા કૂતરાઓથી થતા ઈન્ફેક્શન અને મહામારી સામે રક્ષણ જરૂરી છે.
તાત્કાલિક અમલવારી થવી જોઈએ તેવી માગણી
વકીલ મંડળે આ નિર્ણયને જાહેર હિતમાં લેવાયેલો સારો પગલું ગણાવ્યો છે અને માગણી કરી છે કે નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ શ્વાનોને દૂર કરવા જોઈએ. લોકોની આ પરેશાની દૂર કરવી જોઈએ, એટલે જ આ પત્ર કરવામાં આવ્યો છે. પક્ષકારો મોટી સંખ્યામાં આવતા હોય ત્યારે તાત્કાલિક અમલવારી થવી જોઈએ તેવી માગણી કરવામાં આવી છે. બીજી તરફ, કેશોદ નગરપાલિકાએ કોર્ટની અરજી મળી હોવાની પુષ્ટિ કરી છે.
નગરપાલિકાને અપાઈ અરજી
કેશોદ કોર્ટ દ્વારા કૂતરી અને બચ્ચા અંગેની અરજી નગરપાલિકાને આપેલી છે, જેના સંદર્ભે નગરપાલિકા દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે."કૂતરાઓને હટાવવાની પ્રક્રિયા હવે નગરપાલિકાના અધિકારક્ષેત્રમાં આવી ગઈ છે, જે સંવેદનશીલતા અને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને પગલાં ભરશે. એક તરફ જાહેર જનતાની સુરક્ષા અને બીજી તરફ પશુ કલ્યાણના નિયમો - આ બંને વચ્ચે સંતુલન જાળવીને નગરપાલિકા કઈ રીતે આ સમસ્યાનો નિકાલ લાવે છે, તેના પર કેશોદની જનતાની નજર રહેલી છે.