કેશોદ એરપોર્ટ પર 2,500 મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એડવાન્સ્ડ નેવિગેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવાનું કરવાનું આયોજન કરાવામાં આવ્યું છે. માસ્ટર પ્લાન અને સ્કોપ ઑફ વર્ક અનુસાર કેશોદ એરપોર્ટ માટે ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS), CAT – I એપ્રોચ લાઈટનિંગ સિસ્ટમ અને DVORની જોગવાઈ ધ્યાનમાં લેવામાં આવી છે. આ માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરપુ દ્વારા રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીને પત્રના માધ્યમથી આપવામાં આવી હતી.


કેશોદ એરપોર્ટના હાલના રનવેની લંબાઈ 1,300 મીટર

મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે મંત્રાલયે કેશોદ એરપોર્ટ પર રનવેને 2,500 મીટર સુધી લંબાવવા માટેના સ્કોપ ઑફ વર્કની જાહેરાત કરી દીધી છે અને આ કામનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે. ILSના ઈન્સ્ટોલેશન માટે રનવેની લંબાઈ 1,800 મીટરથી વધુ હોવી જોઈએ અને કેશોદ એરપોર્ટના હાલના રનવેની લંબાઈ 1,300 મીટર છે. પરિમલ નથવાણીએ કેશોદ એરપોર્ટ પર વારંવાર ફ્લાઈટ રદ થવાના મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રીનું ધ્યાન દોરતો પત્ર લખ્યો હતો. તેમણે પોતાના પત્રમાં હવામાન સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને વહેલી સવારના ધુમ્મસ અને ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) સહિત અપૂરતા નેવિગેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ફ્લાઈટ્સ વારંવાર રદ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. નથવાણીએ પત્રમાં લખ્યું હતું કે વારંવાર ફ્લાઈટ્સ રદ થવાથી વિઘ્ન ઊભું થાય છે, જેના કારણે રીજનલ રૂટ ડેવલપમેન્ટનો હેતુ નિષ્ફળ જાય છે.

પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમયમર્યાદા 18 મહિના નક્કી કરવામાં આવી

એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથમાં આવતા મુલાકાતીઓની સુગમતા માટે કેશોદ એરપોર્ટનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ વારંવાર ફ્લાઈટ્સ રદ થવાને કારણે આ હેતુ બર આવતો નથી. અગાઉ, રાજ્યસભામાં પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 190.56 કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમયમર્યાદા 18 મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્યુઆરી 2027 છે. નોંધનીય છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કેશોદ એરપોર્ટનો વિકાસ રૂ. 364 કરોડના અંદાજિત ખર્ચ સાથે કરવામાં આવશે, જેમાં રૂ. 142.17 કરોડના ખર્ચે નવા ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ સામેલ છે. 6,500 ચોરસ મીટરમાં ફેલાયેલું આ નવું ટર્મિનલ બિલ્ડિંગ એકસાથે 400 ડિપાર્ટિંગ અને 400 અરાઈવિંગ મુસાફરોને હેન્ડલ કરવા માટે ડિઝાઈન કરાયું છે.

  • Follow us on: