કેશોદના પીપલિયાનગરમાં આવેલ ઉન્નતી પેલેસના માલિકો અને કુલમુખત્યાર વિરુદ્ધ ફ્લેટના ડબલ દસ્તાવેજ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો છે. નુનારડા ગામના એક મહિલાએ પોતે ખરીદેલા ફ્લેટનો કબજો ન મળતાં અને તેને અન્યને વેચી દેવાયાની જાણ થતાં કલેક્ટર સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
અન્ય લોકોને સાટાખત કરી આપ્યું
કેશોદ તાલુકાના નુનારડા ગામે રહેતાં રામીબેન હરસુખભાઈ નંદાણિયાએ કેશોદના પીપલિયાનગરમાં આવેલ ઉન્નતી પેલેસમાં એક ફ્લેટ ખરીદ કર્યો હતો. ફ્લેટના માલિકોએ પોતે રહેતા હોઈ, વેચાણ કરાયેલો ફ્લેટ રામીબેનને સોંપવાના બદલે તેણે ખાલી ન કર્યો અને અન્ય લોકોને સાટાખત કરી આપ્યું હતું.
રામીબેન નંદાણિયાએ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી
આ ઘટનાની જાણ થતાં રામીબેન નંદાણિયાએ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. તપાસ બાદ કેશોદ પોલીસે ઉન્નતી પેલેસના માલિક નરોતમ મોહનભાઇ ઠુંબર, તેમના ધર્મપત્ની વનિતાબેન નરોતમ અને કુલમુખત્યાર પુત્ર હેતલ નરોતમ ઠુંબર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હેતલ ઠુંબરે પેલેસના કેટલાંક ફ્લેટના ડબલ દસ્તાવેજ, સાટાખત ઉભા કરી કૌભાંડ આચર્યું હોવાની અનેક ફરિયાદો
6 માળના આ ઉન્નતી પેલેસમાં કુલ 24 ફ્લેટ આવેલા છે. માલિકો વતી તેમના પુત્ર હેતલ નરોતમ ઠુંબર કુલમુખત્યાર તરીકે ફ્લેટ લે-વેચનો વહીવટ સંભાળતા હતા. હેતલ ઠુંબરે પેલેસના કેટલાંક ફ્લેટના ડબલ દસ્તાવેજ, સાટાખત ઉભા કરી કૌભાંડ આચર્યું હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. અગાઉ પણ એક ફ્લેટ ધારકે તેને વેંચી દેવાયેલ ફ્લેટ અન્ય કોઈને વેંચી નાખ્યો હોવાનો કિસ્સો બહાર આવતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, જેમાં હાલના લેન્ડ ગ્રેબિંગના ફરિયાદી રામીબેન નંદાણિયાનું વિશેષ નિવેદન નોંધાયું હતું.
15 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ
આ ડબલ દસ્તાવેજવાળા કેસની પોલીસે ચાર્જશીટ પણ ફાઇલ કરી છે. એક તરફ, કુલમુખત્યાર હેતલે ડબલ દસ્તાવેજ અને એકથી વધુ સાટાખત કરી આપતાં એક ફ્લેટ ધારકે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ, હેતલે પોતે બાંધકામ કરવા માટે ફ્લેટ ધારકો પાસે રૂ. 1 કરોડ 29 લાખ જેવી રકમ ઉછીની લીધી હતી, જેની સામે ફ્લેટ ધારકોને વેચાણ દસ્તાવેજ કરી આપ્યાં હતાં. હેતલે આ ઉછીની રકમ સામે રૂ. 3 કરોડ 87 લાખ ચૂકવી આપ્યાં હોવા છતાં ફ્લેટ ધારકો ફ્લેટ પરત કરતાં ન હોવાનો આક્ષેપ કરીને 15 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પેલેસ માલિકે મોટી રકમનો ગેરવહીવટ કર્યો હોય તેવી શંકા
આ સમગ્ર ઘટનાક્રમમાં કુલમુખત્યાર હેતલે ઉછીની રકમ મેળવી મોટી રકમનું ચૂકવણું કર્યું હોવા છતાં આ રકમની વ્યવસ્થા ક્યાંથી કરી તેવા આક્ષેપો આરોપીઓ અને તેમના વકીલે કર્યા છે. પેલેસ માલિકે મોટી રકમનો ગેરવહીવટ કર્યો હોય તેવી શંકા વ્યક્ત કરી ફ્લેટ ધારકોએ પોલીસ અને ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે.