જૂનાગઢ જિલ્લાના કેશોદમાં એક અત્યંત કરૂણ અને દુઃખદ ઘટના સામે આવી છે. ભારે વરસાદના કારણે પાણી ભરાયેલા અંડરબ્રિજમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, પાણીમાં રહેલા ખુલ્લા વીજવાયરના સંપર્કમાં આવવાથી યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
બેદરકારીનો આક્ષેપ, લોકોમાં ભારે રોષ
યુવકના આ કરૂણ મોત બાદ સ્થાનિક લોકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સીધો આક્ષેપ છે કે, જાહેર સ્થળોએ વીજ કંપની દ્વારા ખુલ્લા અને જર્જરિત વીજવાયરોને સમયસર દૂર કરવાની કામગીરી ન કરવાને કારણે આ અકસ્માત સર્જાયો છે. આ પ્રકારની ગંભીર બેદરકારી સામે કડક પગલાં લેવા માટે લોકોએ માંગણી કરી છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.













