જામનગર શહેરના મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં દરેડની કેનાલ મારફતે રંગમતી નાગમતી નદીનું પાણી આવે છે, જે કેનાલમાં કેટલાક ઉદ્યોગગૃહો દ્વારા પોતાના કેમિકલ યુક્ત પ્રવાહીના જથ્થાનો નિકાલ કરી દેવામાં આવતો હોવાના કારણે પ્રદૂષણયુક્ત પાણી લાખોટા તળાવમાં આવી રહ્યું છે, તેવી અનેક ફરિયાદો થયા પછી ગત 27 જૂનના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગરની કચેરી દ્વારા પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.


ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમે વધુ કાર્યવાહી શરૂ કરી

જેના સેમ્પલો આવી ગયા છે અને ઉપરોક્ત પાણીના જથ્થામાં જૈવિક કચરો ભળ્યો હોવાના રિપોર્ટ પણ મળ્યા છે. જેથી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક અસરથી જામનગર મહાનગરપાલિકાને આની જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત હાલ વરસાદી સિઝન ચાલુ છે અને ફરીથી ગઈકાલે લાખોટા તળાવમાં નવું પાણી આવ્યું હોવાથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા રંગમતી નાગમતી નદીના પાણીમાંથી ફરી સેમ્પલો લેવામાં આવ્યા છે. પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. સાથે સાથ દરેડની કેનાલને જોડતી ઉદ્યોગ નગર વિસ્તારની કેનાલ કે જેના વિસ્તારમાં આવતા અલગ અલગ પાંચ કારખાનાઓને ત્યાં પણ જઈને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.

જામનગરમાં કાલાવડ નાકા બહારના જર્જરીત પુલ પર ભારે વાહનો માટે મુકાયો પ્રતિબંધ

બીજી તરફ જામનગરમાં કાલાવડ નાકા બહારના જર્જરીત પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જામનગર શહેરના કાલાવડ નાકા બહાર 40 વર્ષ જુનો પુલ જર્જરીત હાલતમાં છે. બ્રિજની હાલત એટલી ખરાબ છે કે લોખંડના સળીયા નિકળેલા જોઈ શકાય છે. બ્રિજની અંદરના લોખંડના સળીયા બહાર લટકી રહ્યા છે. ભારે અને મોટા વાહનો પુલ પરથી પ્રસાર ના થાય તે માટે લોખંડની રેલીંગ મુકવામાં આવી છે.


  • Follow us on: