જામનગરમાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા છે. જામનગર તાલુકાના ધૂતારપુરથી પીઠડીયા રોડ પર આવેલા ખારાવેઢા ગામના પાટિયા પાસે બે મોટરસાયકલ વચ્ચે ભયંકર ટક્કર થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. બે મોટરસાયકલ વચ્ચેના આ ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિઓને એટલી ગંભીર ઈજાઓ પહોંચી હતી કે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.


અકસ્માતમાં એક બાળકીની હાલત ગંભીર

આ અકસ્માતમાં એક નાની બાળકી પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બાળકીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અન્ય એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આ અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની ચોક્કસ માહિતી હજી સુધી પ્રાપ્ત થઈ નથી.

પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી

જોકે હાઇવે પર બેફામ ગતિ અને બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક આશંકા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માત કેવી રીતે થયો અને જવાબદાર કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે.


  • Follow us on: