જામનગર શહેરમાં આજે લાંબા વિરામ બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ બપોર પછી અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જે બાદ ધોધમાર વરસાદમાં પરિવર્તિત થયો હતો. આ વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી હતી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
બપોર બાદ અચાનક આકાશમાં ઘેરા વાદળો છવાતા ધીમી ધારે વરસાદ શરૂ
પટેલ કોલોની, લાલ બંગલા સર્કલ, રણજીતસાગર રોડ, ગુરુદ્વારા વિસ્તાર, હોસ્પિટલ રોડ, અંબર સિનેમા અને સાત રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જામનગરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ વરસાદ ખેતી માટે પણ ફાયદાકારક છે. જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.
તહેવાર સમયે વરસાદ પડતા મેળાના સંચાલકોમાં ચિંતા
જોકે આ વરસાદને કારણે આગામી તહેવારોની ઉજવણી પર અસર થવાની શક્યતા છે. ખાસ કરીને શ્રાવણી મેળાના સંચાલકો અને વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કારણ કે મેળા દરમિયાન વરસાદ પડશે તો મુલાકાતીઓની સંખ્યા પર તેની સીધી અસર પડશે અને મેળાના આયોજનમાં પણ અવરોધ આવી શકે છે. આમ એક તરફ વરસાદથી લોકો ખુશ છે, તો બીજી તરફ મેળાના આયોજકો અને વેપારીઓ ચિંતિત છે.