જામનગરમાં શ્રાવણ સુદ સાતમે શહેરના 486 માં સ્થાપના દિનની ઉજવણી જામનગર મહાપાલિકા અને રાજપૂત સમાજ દ્રારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાંભી પૂજન અને જામસાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યું હતું. ત્યારે આજે શહેરના સ્થાપના દિવસનો સુભગ સમન્વય થયો છે.


જામનગરની સ્થાપના ઈ.સ.1540 માં કરવામાં આવી

આજે શ્રાવણ સુદ સાતમના રોજ સૌરાષ્ટ્રના પેરિસ એવા જામનગર શહેરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઈ.સ.1540 માં શ્રાવણ સુદ સાતમના રોજ કચ્છથી આવેલા જાડેજા રાજવીએ શહેરની સ્થાપના કરી હતી, જામનગરની સ્થાપના 1540 એ.ડી. માં કરવામાં આવી હતી, જે નવાનગરના રાજ્યની રાજધાની હતી. જામનગર, જે ઐતિહાસિક રીતે નવાનગર તરીકે ઓળખાય છે. રાજવી જામ રાવલે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષના સાતમા દિવસે વિક્રમ સંવત 1596 ના રંગમતી અને નાગમતી બે નદી પર તેમણે તેમની નવી રાજધાનીની સ્થાપના કરી અને તેને નવાનગર નામ આપ્યું. નવાનગરને જામનગર તરીકે ઓળખવામાં આવે છે. જામનગરને ક્રિકેટની નગરીની ઉપનામ મળ્યુ છે. જામનગરે દુલિપસિંહજી, જામરણજીતસિંહની, વિનુ માકંડ, સલીમ દુરાણી, અજય જાડેજા અને રવિન્દ્ર જાડેજા જેવા ક્રિકેટરો આપ્યો છે.

દરબારગઢમાં નગરજનોની સુખ શાંતિ માટે ખાંભીનું પુજન કર્યું

નવાનગર સ્ટેટ તરીકે ઓળખાતા રાજ્યનો ઇતિહાસ પણ રોચક છે અને રાજ પુરોહિતની આજ્ઞાના પાલન તથા પ્રજાવત્સલતા સહિતના રાજવીઓના ગુણ આજે પણ તરંગો રૂપી વ્યાપેલા છે માટે દર વર્ષે શ્રાવણ સુદ-7ના દિવસે સ્થાપના વખતની થાંભીનું પૂજન કરવામાં આવે છે. ત્યારે આજે જામનગર મહાનગર પાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, જામનગર ધારાસભ્ય રીવાબા જાડેજા અને સ્ટેટ ચેરમેન, કોર્પોરેશનના પદાધિકારી અને જામનગર રાજપૂત સમાજ દ્વારા દરબારગઢમાં નગરજનોની સુખ શાંતિ માટે માતાજીને પ્રાર્થના કરી દિલાવર સાયકલ સ્ટોર્સ ખાતે આવેલી ખાંભીનું પુજન કર્યું હતું.

ભવિષ્ય તરફ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે

આગામી વર્ષમાં જામનગર શહેરનો વારસો ભારતભરમાં પ્રસ્થાપિત થાય અને ઉતરોતર વધારો થાય અને શહેર નાંદુરસ્ત રહે તેવી શુભેચ્છાઓ ધારાસભ્ય દ્વારા પાઠવવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં જામનગર શહેરનો અદકેરો ઇતિહાસ આલેખાયેલો છે, આજે પણ રાજાશાહી સમયમાં બનેલા વિલિંગટન ક્રેસન્ટ, દરબારગઢ, તળાવ મધ્યે લખોટો કોઠો, ભુજીયો કોઠો, પંચેશ્વર ટાવર, માંડવી ટાવર, ખંભાળિયા ગેટ, જેવા સ્થાપત્યો શહેરની આગવી ઓળખ બનીને ઉભા છે. આજના દિવસે જામનગર માત્ર ભૂતકાળના ગૌરવને યાદ કરતું નથી, પણ ભવિષ્ય તરફ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે.

  • Follow us on: