જામનગર શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદી ઝાપટાની સાથે જ જામનગર મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડી ગયા છે. લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી વરસાદ પૂર્વેની તૈયારીઓ માત્ર કાગળ પર જ રહી હોય તેવો દ્રશ્યો સામે આવ્યા છે. જામનગર શહેરમાં વરસાદ શરૂ થતાંની સાથે જ શહેરના અનેક મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેને પગલે સ્થાનિક વહીવટી તંત્રની નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
જામનગર મહાનગરપાલિકા કચેરી અને ટાઉનહોલ જળબંબોળ
નવાઈની વાત તો એ છે કે, જે જામનગર મહાનગરપાલિકા પર સમગ્ર શહેરની જવાબદારી છે, તેની પોતાની કચેરીની બહાર જ પાણી ભરાઈ ગયા હતા. જામનગર શહેરના હાર્દ સમાન ટાઉનહોલ વિસ્તાર, અપના બજાર, મહાનગરપાલિકા કચેરી નજીક અને ઐતિહાસિક ત્રણ દરવાજા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. પ્રથમ વરસાદમાં જ આ મુખ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ જતાં તંત્રની આયોજન વગરની કામગીરી ખુલ્લી પડી ગઈ છે.

વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા
મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવાને કારણે અનેક ટુ-વ્હીલર ચાલકોના વાહનો અધવચ્ચે જ બંધ પડી ગયા હતા. આવામાં રાહદારીઓ રસ્તા વચ્ચે જ અટવાઈ પડ્યા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો પ્રથમ વરસાદમાં શહેરનો આવો હાલ હોય તો આગામી સમયમાં જ્યારે ભારે વરસાદ થશે ત્યારે શું પરિસ્થિતિ હશે, એની ચિંતા અત્યારથી જ સ્થાનિકોને સતાવી રહી છે.
લાખોના ખર્ચે થતી ડ્રેનેજ સફાઈ સામે સવાલો
સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર વર્ષે ચોમાસા પહેલાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ગટર અને ડ્રેનેજ સફાઈના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય તેવું આ વરસાદ બાદની સ્થિતિ જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે. જો માત્ર શરૂઆતના વરસાદી ઝાપટામાં જ શહેરની આ હાલત થતી હોય, તો આગામી દિવસોમાં જ્યારે ભારે વરસાદ પડશે, ત્યારે જામનગરની સ્થિતિ કેવી થશે તેને લઈને લોકોમાં ભારે ચિંતા સેવાઈ રહી છે.

તંત્રની ઘોર બેદરકારી સામે જનઆક્રોશ
ચોમાસા પૂર્વે મોટા-મોટા દાવા કરતું તંત્ર પ્રથમ વરસાદમાં જ સુપર ફ્લોપ સાબિત થયું છે. વહીવટી તંત્રની આ ઘોર બેદરકારી અને આળસુ નીતિને કારણે જામનગરના નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો માગ કરી રહ્યા છે કે, કાગળ પર પ્રી-મોન્સૂન કામગીરી બતાવનારા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે અને ભરાયેલા પાણીના નિકાલ માટે તાત્કાલિક યુદ્ધના ધોરણે નક્કર કામગીરી કરવામાં આવે.
આ પણ વાંચો - Jamnagar જૂની કસ્ટમ હાઉસ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં 3 મજૂરો દબાયા