જામનગરના શંકરટેકરીમાં પાણીની ટાંકી લીકેજ હોવાથી લોકજીવન જોખમમાં હોવાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. 3 દિવસ પહેલા ટાંકા નજીક દિવાલ ધરાશાયી થતા એકનું વ્યકિતનું મોત થયું હતું. ટાંકી જર્જરિત હાલતમાં હોવાથી રહીશોમાં ભય ફેલાયેલો છે. કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.
પાણીની ટાંકી અંદાજિત 40 વર્ષ જૂની છે
જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલો પાણીની ટાંકી હાલમાં જર્જરિત હાલતમાં છે. સંદેશ ન્યૂઝ દ્વારા આ પાણીના ટાંકાની રિયાલિટી ચેક કરી હતી, જેમાં ઘણી ક્ષતિઓ જોવા મળી છે, આ પાણીની ટાંકી અંદાજિત 40 વર્ષ જૂની છે. હાલમાં આ ટાંકી જર્જરિત થવાથી સ્થાનિક નગરસેવક અને સ્થાનિકો દ્વારા આ ટાંકો રીપેર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ આ ટાંકી લીકેજ છે અને 3 દિવસ અગાઉ જ પાણીની ટાંકીની એક દિવાલ પાણીના ભારે લીકેજના કારણે ધરાશાયી થઈ હતી, જેના પગલે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.
અમદાવાદમાં એક સાથે બે મકાન ધરાશાયી
અમદાવાદમાં ચોમાસાની શરૂઆત થતાં જ જર્જરિત અને જૂના મકાનો જોખમી બની રહ્યા છે. 28 ઓગસ્ટે જ શહેરના સારંગપુર ચકલામાં આવેલી લીમડા પોળમાં એક જૂનું મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કામગીરી શરૂ કરી હતી. આ સાથે રાયપુર ચકલા વિસ્તારમાં આવેલી પારેખની ખડકી ખાતે પણ એક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. સતત વરસાદ અને મકાનોની નબળી સ્થિતિ આ ઘટનાઓનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.