જામનગરમાં દિવસભરના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેના પરિણામે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. લાંબા સમય બાદ વરસાદ વરસતા શહેરવાસીઓને ગરમીમાંથી રાહતનો અહેસાસ થયો હતો. દિવસ દરમિયાન જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં સખત ગરમી અને બફારો અનુભવાયો હતો. લોકો આ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મોડી સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ઠંડો પવન ફૂંકાવા લાગ્યો હતો. થોડી જ વારમાં મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૂ કર્યું અને શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. જેમાં મુખ્યત્વે પટેલ કોલોની, નાગનાથ ચોકડી, ગુલાબનગર, લાલ બંગલા સર્કલ અને જી.જી. હોસ્પિટલ વિસ્તારનો સમાવેશ થાય છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને ચારે તરફ પાણી-પાણી થઈ ગયું હતું.













