ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મંદિરને સરકાર હસ્તક લેવામાં આવ્યા પછી આજે ભવનાથ ટ્રસ્ટ સાથે સંકળાયેલા મુચકુંદ મહાદેવ ગુફાનો વહીવટ પણ જૂનાગઢ પ્રાંત અધિકારી દ્વારા વિધિવત રીતે સંભાળી લેવામાં આવ્યો છે, આજે અધિકારીઓની ટીમે સ્થળ પર નિરીક્ષણ કરીને હસ્તાક્ષર પ્રકિયા શરૂ કરી મંદિરની તમામ મિલકતોની યાદી તૈયાર કરવાની કાર્યવાહી શરુ કરી છે.


વિવાદોને કારણે લેવાયો નિર્ણય

ગિરનાર ઉપર અંબાજી મંદિરના મહંતના બ્રહ્મલીન થયા પછી જે રીતે એકપછી એક પ્રસિદ્ધ મંદિરોના મહંત પદને લઈને વિવાદો શરુ થયા છે, જેને લઈને સરકારે પણ હસ્તક્ષેપ કરીને જ્યાં સુધી મહંત પદનો વિવાદ પૂર્ણ ના થાય અને નવા મહંતની નિયુક્તિ કરવામાં ના આવે ત્યાં સુધી મંદિરોના વચગાળાના વહીવટ માટે મંદિરોમાં વહીવટદાર શાસન લાદી દેવામાં આવ્યું છે. સૌથી પહેલા અંબાજી મંદિર બાદ હવે ભવનાથ મંદિરે વહીવટદાર લાગુ છે.

પરંપરા અનુસાર પૂજા-આરતી કરવામાં આવશે

જેમાં ભવનાથ મંદિર ટ્રસ્ટ હેઠળ આવતા ભવનાથ મંદિર અને પ્રેમગીરી અતિથિ ભવન ખાતે પ્રાંત અધિકારીએ વહીવટદાર તરીકેનો કબજો લીધા પછી આજે બપોરે દામોદર કુંડ પાસે આવેલા મુચકુંદ મહાદેવ મંદિર ગુફાનો પણ કબજો લેવામાં આવ્યો હતો, આજે અહીં પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી, અહી મંદિરે દર્શન કરીને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે હાલ મુચકુંદ મહાદેવ મંદિરમાં હસ્તાક્ષર પ્રકિયા શરૂ કરી છે. જેવી રીતે ભવનાથ મંદિરમાં તંત્ર દ્વારા કામગીરી શરુ કરવામાં આવી છે, તે રીતે અહીં પણ કામ કરવામાં આવશે. અહીં સ્વચ્છતાને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને અહીંની મિલકતની ઈન્વેન્ટરી એટલે યાદી બનાવવામાં આવશે, અત્યાર સુધીમાં ભવનાથ મંદિર અને પ્રેમગીરી અતિથિ ભવનની તમામ યાદીઓ તૈયાર કરી લેવામાં આવી છે, અહીં પણ તે રીતે ભાવિક ભક્તોને કોઈ અગવડતા ના પડે તે રીતે રીતિરિવાજ અને પરંપરા અનુસાર પૂજા-આરતી કરવામાં આવશે.

કોઈએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં: પ્રાંત અધિકારી

પ્રાંત અધિકારી અને મંદિરના વહીવટદાર ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે હાલ જે રીતે સોશિયલ મીડિયામાં અનેક મેસેજો વાયરલ થયા છે, તેનાથી ભાવિક ભક્તોએ ગેરમાર્ગે દોરાવું નહીં અને તંત્ર દ્વારા નિષ્પક્ષ રીતે કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ ભવનાથ મંદિર ટ્રસ્ટ હેઠળની તમામ મિલકતો, મંદિરોની હસ્તાક્ષર પ્રકિયા અને ઈન્વેન્ટરી યાદી બનાવવાની કામગીરી ચાલી રહી છે. 

  • Follow us on: