જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં નગર પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. માણાવદરમાં નગર પાલિકા સંચાલિત સ્મશાનમાં વરસાદમાં લાકડા પલળી જતાં અંતિમવિધિમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સ્મશાનમાં મૃતદેહના અગ્નિસંસ્કાર માટે આવેલા લોકોએ લાકડા ભીના હોવાથી ટાયર અને ડિઝલથી મૃતદેહના અગ્નિ સંસ્કાર કર્યા હતાં.


સુધરાઈ પાસે ગોડાઉન છતાં લાકડાં પલળી ગયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢ જિલ્લામાં માણાવદર નગર પાલિકા સંચાલિત સ્મશાનમાં ભારે બેદરકારી સામે આવી છે. વરસાદમાં લાકડા ભીના થઈ જતાં અગ્નિ સંસ્કાર માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લાકડા મુકવા માટેની સવલતો પુરી પાડી નહીં શકનાર નગરપાલિકા સામે અનેક સવાલો ઉભા થયાં છે. નગર પાલિકા પાસે સ્મશાનમાં ગોડાઉન હોવા છતાં લાકડાં પલળી ગયાં છે.

નાગરિકોએ બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો

કોરોના કાળ દરમિયાન ટેન્ડર બહાર પાડ્યા બાદ પણ સ્મશાનમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. મૃતદેહ લઈને આવતા ડાઘુઓને અગ્નિ સંસ્કાર વખતે ટાયર અને ડિઝલથી અગ્નિદાહ આપવાની ફરજ પડી રહી છે. માણાવદરના જાગૃત નાગરિકોએ નગરપાલિકાની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. તંત્ર દ્વારા મોતનો મલાજો પણ નહીં જળવાતા લોકો રોષે ભરાયા છે.


  • Follow us on: