જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ભારે વરસાદ જિલ્લામાં વરસ્યો છે. જેને પગલે જિલ્લાના 6 ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે અને તમામ ડેમ ભયજનક સપાટી પર પહોંચી ચૂક્યા છે. સત્તાધારના અંબાજળ ડેમમાં પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને પાણી નદીમાં છોડાયું છે. ડેમાંથી 1264 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બીજી તરફ વિસાવદરનો ધ્રાફ્ડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીઓમાં છે. હાલમાં ધ્રાફડ ડેમનો પણ એક દરવાજો 0.5 મીટર ખોલવામાં આવ્યો છે.
નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા
બીજી તરફ ઓઝત અને ઓઝત શાપુર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ઓઝત વંથલી ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે ઓઝત વીયર આણંદપુર ડેમ પણ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી ઉબેણ વીયર કેરાળા ડેમ પણ ઓવરફ્લો થયો છે. જેને પગલે આસપાસના 4 ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા ગામોને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
જૂનાગઢના માળીયાની મેઘલ નદીમાં ઘોડાપૂર
જૂનાગઢના માળીયાની મેઘલ નદીમાં પણ ભારે વરસાદને પગલે ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે માણેશ્વર શિવલિંગ પાણીમાં ગરકાવ થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે ગિરનાર ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પગથિયા ઉપર પણ પાણી ફરી વળ્યા છે. ગિરનાર ઉપર અનેક ઝરણા વહેતા થયા છે અને નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે.