જૂનાગઢમાં આગામી 2 વેમ્બરથી શરુ થનાર ગિરનારની લીલી પરિક્રમા ઉપર હાલ ભારેથી અતિભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે અને છેલ્લા 4 દિવસમાં પડેલા કમોસમી વરસાદથી પરિક્રમા રૂટના રસ્તાઓ કાદવ-કીચડથી ભરેલા બન્યા હોવાથી પરિક્રમાર્થીઓને 31 ઓકટોબર સુધી ન આવવા માટે જૂનાગઢ કલેકટર અનીલ રાણાવસીયાએ અપીલ કરી છે.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પરિક્રમાનું આયોજન
ગિરનાર પરિક્રમાના આરંભના ત્રણ દિવસ પહેલા આજે સાંજે કલેકટર, ડીસીએફ અક્ષય જોશી અને એસપી સુબોધ ઓડેદરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પરિક્રમા મુદ્દે ખાસ નિર્ણય જાહેર કર્યો છે અને ભાવિકોને અપીલ કરતા કલેકટરે કહ્યું કે, છેલ્લા દોઢેક મહિનાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પરિક્રમાનું આયોજન કરી રહ્યું છે. છેલ્લે 25 ઓકટોબરના રોજ રૂટનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું, ત્યારે પરિક્રમાનો રૂટ ઉપર રોડ-રસ્તાઓ, સિક્યુરીટી, પીજીવીસીએલ, પાણીના પોઈન્ટ સહિતના મુદ્દે તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી.
વાહન પરિવહન પણ મુશ્કેલ ભર્યું
પરંતુ છેલ્લા ચારેક દિવસથી જે પ્રકારે વરસાદી પરિસ્થિતિ નિર્માણ થયેલું છે, જેનાથી પરિક્રમાનો રૂટ ઉપર ગંભીર અસર થયેલ છે. ખાસ કરીને જે રસ્તાઓ રીપેર કરવામાં આવ્યા હતા, તે ધોવાઈ ગયા છે. ત્યાં કાદવ-કીચડ થયો છે. અહીં ચાલવું મુશ્કેલ છે, વાહન પરિવહન પણ મુશ્કેલ ભર્યું છે. જેથી અન્નક્ષેત્રના સંચાલકોને 30 ઓકટોબર સુધી તો અંદર પ્રવેશ આપી શકાય તેવી સ્થિતિ નથી. સાથે સાથે પરિક્રમા કરવા આવતા ભાવિકો માટે ખાસ અપીલ છે.
તંત્રની ટીમો સતત સ્થિતિ પર મોનીટરીંગ કરી રહી છે
આગામી 30 અને 31 ઓકટોબરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના ઉપર તંત્રની ટીમો સતત સ્થિતિ પર મોનીટરીંગ કરી રહી છે અને અભ્યારણ્યના અંદરના ફીડબેક પણ મેળવી રહી છે. ભાવિકોની સુરક્ષા અને સલામતી અમારા માટે પ્રાથમિકતા છે. તેને ધ્યાને રાખીને ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને અગાઉ આવતા ભાવિકોને વિનંતી કે તેઓ પોતાનું આયોજન મોડું કરે અને પુનઃવિચારણા કરે તેવી અપીલ છે.
65 જેટલા અન્નક્ષેત્રને મંજુરી આપવામાં આવી
જેવી સ્થિતિ સારી થશે અને ઉઘાડ નીકળશે તેમ ત્વરિત મશીનરી દ્વારા કામગીરી શરુ કરાવીને બે દિવસમાં કામગીરી પૂર્ણ કરીને રૂટને દુરસ્ત કરી લેવામાં આવશે. ખાસ આ વર્ષે એવી અપીલ છે કે પરિક્રમા કરવા આવતા વૃદ્ધો, બાળકો, અશક્ત અને દિવ્યાંગ ભાવિકો પોતાનું આયોજન ટાળે અને પરિક્રમા માટે પુનઃવિચાર કરે. જેવી સ્થિતિ દુરસ્ત થશે તેવી ત્વરિત આગામી નિર્ણય જાહેર કરવામાં આવશે, અત્યાર સુધીમાં પરિક્રમા રૂટ ઉપર 65 જેટલા અન્નક્ષેત્રને મંજુરી આપવામાં આવી છે.