સક્કરબાગ ઝૂના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, વર્ષોથી દર રવિવારે સિંહો માટે ખોરાકમાં બ્રેક આપવામાં આવે છે, જેને ‘ગોર્જ એન્ડ ફાસ્ટ ફીડિંગ સાયકલ’ કહે છે. આ પદ્ધતિમાં સિંહોને અનિયમિત સમયે ખોરાક આપવામાં આવે છે, જેથી તેઓ એકજ રીધમમાં બંધાઈ ન જાય અને સક્રિય રહે. આ બ્રેક તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આધુનિક ભાષામાં આને ‘બ્રેક’ કહેવાય, પરંતુ કાઠિયાવાડી રીતે તે ઉપવાસ જ છે. જેમ મનુષ્ય નવરાત્રી જેવા ધાર્મિક પ્રસંગોમાં ઉપવાસથી સ્વાસ્થ્ય જાળવે છે, તેમ સિંહો માટે પણ આ ઉપવાસ આરોગ્ય જાળવવા જરૂરી છે.


ફીડીંગ સાઈકલ જૂદા જૂદા સમયની હોય ત્યારે તે વધુ એકટિવ

આજે, નવરાત્રિના સાતમા નોરતે, સક્કરબાગના સિંહો એક દિવસનો ઉપવાસ કરીને પરોક્ષ રીતે માતાજીની આરાધનામાં જોડાશે. આ અનોખી પરંપરા માત્ર પ્રાણીઓના સ્વાસ્થ્યની જાળવણી જ નહીં, પરંતુ નવરાત્રીના પવિત્ર અવસર સાથે પણ જોડાયેલી છે, જે સક્કરબાગ ઝૂની વિશિષ્ટતાને ઉજાગર કરે છે. સંશોધનો દર્શાવે છે કે સિંહોમાં ફાસ્ટિંગ સાઈકલ હોય ત્યારે તેઓ વધુ એક્ટિવ રહે છે. અનિયમિત ભોજન સમયથી તેમની પાચનક્ષમતા સુધરે છે અને તેઓ સતત સક્રિય રહે છે.

આનાથી તેમનું સ્વાસ્થ્ય જળવાય છે અને ચપળતા વધે છે

બીજી તરફ, નિયમિત ભોજન સમય આપવાથી સિંહોમાં ગેરફાયદા જોવા મળે છે. તેઓ ફક્ત ભોજન સમયે જ એક્ટિવ રહે છે, જ્યારે અન્ય સમયે આળસ, મેદસ્વીતા, તણાવ અને કંટાળાના લક્ષણો દેખાય છે. આ સ્થિતિ તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. આમ, સિંહોની કુદરતી ફીડિંગ સાઈકલને અનુસરવાથી તેમની ચપળતા અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, જે તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે જરૂરી છે.

સક્કરબાગ ઝૂમાં સિંહોની ફાસ્ટિંગ સાઈકલ: પ્રકૃતિ સાથે સુમેળ

જૂનાગઢ : સક્કરબાગ ઝૂમાં સિંહોને જંગલનું કુદરતી વાતાવરણ પૂરું પાડવા, ફાસ્ટિંગ સાઈકલનો અમલ કરવામાં આવે છે. જંગલમાં સિંહોને શિકાર ક્યારે મળશે તે અનિશ્ચિત હોય છે, તેથી ઝૂમાં પણ તે મુજબ ખોરાકનું આયોજન થાય છે. દર રવિવારે સિંહોને ઉપવાસ કરાવવામાં આવે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ પદ્ધતિ સિંહોની કુદરતી જીવનશૈલીને અનુરૂપ છે. અન્ય ઝૂમાં એકાંતરે ખોરાક આપવો કે બે-ત્રણ દિવસ ઉપવાસ કરાવવા જેવા નિયમો હોઈ શકે છે, પરંતુ સક્કરબાગમાં સાપ્તાહિક ઉપવાસની પદ્ધતિ અપનાવાય છે. સિંહો 6 થી 10 દિવસ સુધી ભૂખ્યા રહી શકે છે, જે તેમની કુદરતી સહનશક્તિ દર્શાવે છે. આ રીતે, સક્કરબાગ ઝૂ સિંહોના આરોગ્ય અને કુદરતી વર્તનને જાળવી રાખે છે.

સિંહનો ખોરાક તેની ઉંમર, જાતિ અને ઋતુ પર આધારિત

જૂનાગઢ : જૂનાગઢના સિંહનો ખોરાક તેની ઉંમર, જાતિ અને ઋતુ પર આધારિત હોય છે. ઠંડીમાં સિંહ વધુ ખોરાક લે છે, જ્યારે ગરમીમાં તેનું પ્રમાણ ઘટે છે. સામાન્ય રીતે, એક સિંહ દરરોજ ૫ થી ૮ કિલો માંસ ખાય છે, પરંતુ શિકાર બાદ તે એક જ બેઠકમાં ૨૫ થી ૩૫ કિલો માંસ પણ ખાઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે સિંહને દિવસના ૨૦ કલાક આરામની જરૂર હોય છે, જે તેની શક્તિ અને સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે.

જૂનાગઢમાં સિંહો માટે ઉપવાસની વિશેષ વ્યવસ્થા

મોટા માંસાહારી જાનવરો, ખાસ કરીને સિંહો, માટે ફાસ્ટિંગ સાઈકલ લાગુ કરવામાં આવે છે. જોકે, સિંહણનાં દૂધ પીતાં બચ્ચાં, ગર્ભવતી સિંહણ, બીમાર કે અશક્ત સિંહોને આ ઉપવાસમાંથી મુક્તિ આપવામાં આવે છે. આવા સિંહોને તેમની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે, જેથી તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. આ વ્યવસ્થા ખાસ કરીને સિંહોની શારીરિક સ્થિતિ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, જે તેમના સંરક્ષણ અને સુખાકારી માટે અનિવાર્ય છે.

  • Follow us on: